સેનાની ત્રણેય પાંખે ભરતી પ્રકિયાની તારીખ જાહેર કરી

સેનાની ત્રણેય પાંખે ભરતી પ્રકિયાની તારીખ જાહેર કરી
સરકાર `અગ્નિપથ' પર ચાલવા મક્કમ
નવી દિલ્હી, તા.19 : દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના પાંચમા દિવસે કેન્દ્ર સરકારે એલાન કર્યુ કે સૈન્યમાં ભરતીની અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં નહીં આવે તથા ઉપદ્રવીને તેમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ખાસ બાબત એ જાહેર કરાઈ કે મહિલાઓ નેવીમાં અગ્નિવીર બની શકશે અને સિયાચીન સહિત દુર્ગમ સ્થળોએ અગ્નિવીરોની તૈનાતી થશે.
રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે બેઠક બાદ આર્મી-નેવી અને એરફોર્સના અધિકારીઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં ભરતી સંબંધિત કેટલીક મહત્ત્વની જાહેરાત કરી નારાજ યુવાઓનો ગુસ્સો શાંત કરવા પ્રયાસ કરી જોશ+હોશ=અગ્નિવીર ગણાવ્યા હતા. સૈન્ય બાબતના વિભાગના એડિશનલ સચિવ લેફ.જનરલ અરુણ પુરીએ કહ્યંy કે, દેશની સેવામાં બલિદાન દેનારા અગ્નિવીરોને રુ.1 કરોડનું વળતર આપવામાં આવશે. અગ્નિવીરોને સિયાચિન તથા અન્ય ક્ષેત્રોમાં એ જ ભથ્થું અને સુવિધાઓ આપવામાં આવશે જે વર્તમાન સમયમાં નિયમિત સૈનિકોને આપવામાં આવે છે. સેવાની શરતોમાં અગ્નિવીરો સાથે કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે. સંયુક્ત પત્રકાર પરિષદમાં ત્રણેય સૈન્યમાં અગ્નિવીરોની ભરતી માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ આર્મીમાં 1 જૂલાઈ, એરફોર્સમાં ર4 જૂન અને નેવીમાં રપ જૂનથી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. 
લેફ.જનરલ પુરીએ ભારપૂર્વક કહ્યંy કે કોઈ સંજોગમાં આ યોજના પાછી ખેંચવામાં નહીં આવે. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરુરીયાત શિસ્ત છે, એટલે યુવાઓએ પહેલા શાંત થઈને આ યોજના સમજવી જોઈએ. નજીકના ભવિષ્યમાં અગ્નિવીરોની સંખ્યા 1.રપ લાખને આંબી જશે. 46000ની ભરતી એક શરુઆત છે. જે કોઈ ઉમેદવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હશે તેને તક નહીં મળે. અગ્નિવીરની ભરતીમાં ઉમેદવારે પ્રમાણ પત્ર (એફિડેવીટ) આપવાનું રહેશે કે તે વિરોધ, આગજની, તોડફોડ અને હિંસામાં સામેલ ન હતો પોલીસ વેરિફિકેશન 100 ટકા હશે. પોલીસના એનઓસી વિના ભરતી નહીં થાય.
બે વર્ષ પહેલા નિયમિત સૈન્યમાં ભરતી પહેલા ફરી મેડિકલ પરીક્ષા પાસ કરવી પડશે. અગ્નિવીરોની પહેલી બેચ માટે ઉંમર મર્યાદા ર1 વર્ષથી વધારી ર3 કરવામાં આવી છે. ફેબ્રુઆરી ર0ર3 સુધીમાં 40 હજાર અગ્નિવીરોની ભરતી કરાશે. ઓગષ્ટ, સપ્ટેમ્બર, ઓકટોબરમાં દેશભરમાં 80થી વધુ ભરતી મેળા યોજાશે. સૈન્ય અધિકારીઓએ અપીલ કરી કે આમતેમ ભટકતાં યુવાઓ પોતાનો સમય બરબાદ ન કરે અને ફિઝિકલ પરીક્ષાની તૈયારીઓમાં લાગી જાય. 30 ડિસે.પહેલા પહેલી બેચની તાલીમ શરુ થઈ જશે.
વધુમાં સૈન્યએ જાહેર કર્યુ કે અગ્નિવીરો અન્ય જવાનોને મળતાં સૈન્ય સમ્માન, એવોર્ડ માટે લાયક રહેશે. વર્ષમાં 30 રજા આપવામાં આવશે. માંદગી સબબ રજા તબીબી ભલામણને આધારે મંજૂર થશે. તાલીમના ગાળા દરમિયાન સરકારી સ્વાસ્થ્ય સેવાઓ મળશે.  ખાસ પરિસ્થિતિઓને બાદ કરતાં તાલીમ દરમિયાન અધવચ્ચે સેવા છોડી શકશે નહીં. છેલ્લા વર્ષમાં અગ્નિવીરનો પગાર વધીને 40 હજાર થઈ જશે.પહેલા વર્ષે 30 હજાર મળશે જેમાંથી ર1 હજાર ખાતામાં અને 9000 કોર્પ્સ ફંડમાં જમા થશે. 4 વર્ષ બાદ ગ્રેચ્યુઈટી કે કોઈ અન્ય ફંડ મળવા પાત્ર રહેશે નહીં. એરફોર્સે અગ્નિવીરોની ભરતી માટે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, ભરતી થયા બાદ 4 વર્ષ પૂર્ણ કરવાના રહેશે તે પહેલા તેઓ ફોર્સ છોડી શકશે નહીં. અગ્નિવીર તરીકે સામેલ થનારા મોટાભાગના યુવાઓ 10 પાસ હશે જેમને 1ર પાસનું સર્ટીફિકેટ આપવામાં આવશે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer