ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની ભૂમિકા બાબતે છેલ્લા થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે. આ ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણીએ 2017થી સિરિયલ છોડી દીધી છે. હવે દર્શકોની માગ પર દયાભાભીના પાત્રને પાછું લાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ પાત્રમાં કઈ અભિનેત્રીને લેવી તે અંગે અટકળો સાંભળવા મળે છે. જોકે, આમાં સૌથી પહેલું નામ અભિનેત્રી રાખી વિજાનનું બોલાય છે અને તેણે શૂટિંગ શરૂ કરી દીધું એવી વાતો સંભળાય છે.
જોકે, રાખીએ આ સમાચાર અંગે ખુલાસો કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ સમાચાર માત્ર અફવા છે. દયાભાભીની ભૂમિકા માટે મારો સંપર્ક કરાયો નથી. મને ખબર નથી કે આ અફવા કયાંથી શરૂ થઈ. છતાં હતું કે તેનું સૂરસૂરિયું થઈ જશે, પરંતુ તે વધતી ગઈ. હું સહજતાથી કૉમેડી કરી શકું છું. પરંતુ આ ભૂમિકા મારા માટે પડકારરૂપ છે. મારે દયાબેનની સ્ટાઈલ શીખવી પડે. અમે કલાકારો પાત્ર અનુસાર ઢળીએ છીએ. દયાબેનનું પાત્ર મારી રીતે કરું તો દર્શકો તેની સાથે સંકળાઈ નહીં શકે. આથી મારે જ તેમની સ્ટાઈલને શીખીને તે પ્રમાણે અભિનય કરવો પડે.
ગત સપ્તાહે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત મોદીએ કહ્યું હતું કે, દિશા સિરિયલમાં પરત નહીં આવે પરંતુ દયાબેનના પાત્રમાં નવી અભિનેત્રી આવશે. ત્યાર બાદ રાખી વિજાનવાળી અફવા શરૂ થઈ હતી.
Published on: Tue, 21 Jun 2022
દયાભાભીની ભૂમિકા માટે મારો સંપર્ક કરાયો નથી : રાખી વિજાન
