બેંગ્લુરુ, તા.20 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો એકમાત્ર ટેસ્ટ એજબેસ્ટનમાં તા. 1 જુલાઇથી શરૂ થવાનો છે. મૂળ રૂપથી આ મેચ 2021ની પાંચ મેચની શ્રેણીનો આખરી ટેસ્ટ છે. શ્રેણીમાં હાલ ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. આફ્રિક વિ.ની ટી-20 શ્રેણી 2-2ના સ્કોર સાથે ડ્રોમાં સમાપ્ત થઇ ચૂકી છે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ હવે ઇંગ્લેન્ડ સામેના એક ટેસ્ટ અને લીમીટેડ ઓવર્સની સિરીઝ માટે તૈયાર છે.
રાહુલ દ્રવિડે આ બારામાં જણાવ્યું કે આ ફકત એક ટેસ્ટ મેચ નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ પણ દાવ પર લાગેલા છે. જેમણે ગયા વર્ષે આ ટેસ્ટ શ્રેણી રમી હતી, તેઓ ભારતની જીત માટે પૂરી જાન લગાવી દેશે. એ પણ ધ્યાને રાખવું પડશે કે હાલ ઇંગ્લેન્ડની ટીમ સારું રમી રહી છે. દ્રવિડે જણાવ્યું કે અમે જ્યારે ગયા વર્ષે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રમ્યા ત્યારે પરિસ્થિતિ અલગ હતી. તેઓ ન્યુઝીલેન્ડ સામે હારીને આવ્યા હતા.
આ વખતે ન્યુઝીલેન્ડને હરાવીને આપણી સામે હશે. જો કે આપણી ટીમ ઘણી મજબૂત છે. મારે ટેસ્ટ ક્રિકેટ જોવું છું અને છોકરાઓને એ માટે તૈયાર કરવા છે. જે માટે હું તૈયાર છું. આ તકે કોચ દ્રવિડે એમ પણ કહ્યં કે અમે વર્લ્ડ કપની ટીમને જલ્દીથી અંતિમ રૂપ આપવા માંગીએ છીએ.
ભારતીય ટીમ ગુરૂવારે લેસ્ટરશાયર સામે ચાર દિવસનો અભ્યાસ મેચ રમશે. ગયા વર્ષે રમાયેલ શ્રેણીમાં ભારતીય કોચ તરીકે રવિ શાત્રી હતા. કપ્તાન વિરાટ કોહલી અને ઉપકપ્તાન અજિંકયા રહાણે હતા. હવે કોચ રાહુલ દ્રવિડ છે, કપ્તાન રોહિત શર્મા છે. ઉપકપ્તાન કેએલ રાહુલ ઇજાને લીધે શ્રેણીની બહાર થયો છે. જ્યારે ઇંગ્લેન્ડના કોચ અને કેપ્ટન પણ બદલાઇ ગયા છે. જો રૂટના સ્થાને બેન સ્ટોકસ નેતૃત્વ કરશે. જ્યારે બ્રેંડન મેકયૂલમ કોચ છે.
પંતને કૉચનું અભયવચન
દ. આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ઇનચાર્જ કેપ્ટન ઋષભ પંતનું બેટ પૂરી રીતે ખામોશ રહ્યં. પંતના ફોર્મ અને કપ્તાનીની ઘણી ટીકા થઇ રહી છે. કોચ દ્રવિડે પંતનો બચાવ કરતા કહ્યં કે તેણે વચ્ચેની ઓવરોમાં વધુ આક્રમક રમવાની કોશિશ કરી. જેના લીધે તેણે વિકેટ ગુમાવી. કોઇ ખેલાડી વિશે તમે એક-બે મેચના આધારે નિર્ણય ન લઇ શકો. મારું માનવું છે કે પંત માટે આઇપીએલ શાનદાર રહ્યં. અમને વિશ્વાસ છે કે તે ઇન્ટરનેશનલ લેવલે અલગ જ જોવા મળશે. તે અમારી બેટિંગ લાઇનઅપનો અભિન્ન અંગ છે. ટી-20 વિશ્વ કપની યોજનાનો પંત મહત્ત્વનો હિસ્સો છે.
Published on: Tue, 21 Jun 2022
ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવા ખેલાડીઓ જીવ દાવ પર લગાડશે : કૉચ દ્રવિડ
