ઇજાને લીધે અનુભવી ડ્રેગ ફિલ્કર રૂપિન્દર બહાર : હરમનપ્રીતને તક
નવી દિલ્હી, તા.20: કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય પુરુષ હોકી ટીમ જાહેર થઈ છે. ટોકયો ઓલિમ્પિકમાં કેપ્ટનશીપ સંભાળનાર મનપ્રિત સિંઘને ફરી સુકાન સોંપાયું છે. તેના સુકાનીપદ હેઠળ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ (બ્રોન્ઝ) જીત્યો હતો.
ઓલિમ્પિક ટીમના 11 ખેલાડીને કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં જગ્યા મળી છે. ઇજાને લીધે ટીમના અનુભવી ડ્રેગ ફિલ્કર રૂપિન્દર પાલ સિંઘને ટીમમાં જગ્યા મળી નથી. તેના સ્થાને હરમનપ્રિત સિંઘને મોકો અપાયો છે. તેણે એફઆઇએચ પ્રો લીગમાં ભારત તરફથી સૌથી વધુ ગોલ કર્યાં છે.
કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામ ખાતે રમાશે. ભારતીય હોકી ટીમ પૂલ બીમાં ઇંગ્લેન્ડ, કેનેડા, વેલ્સ અને ઘાના સાથે છે.
ભારતીય ટીમ તેના અભિયાનનો પ્રારંભ 31 જુલાઇએ ઘાના સામે મેદાને પડીને કરશે. 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ ચોથા સ્થાને રહી હતી. આ વખતે ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર છે.
ભારતીય હોકી ટીમ: પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક (બન્ને ગોલકીપર), મનપ્રિત સિંઘ (કપ્તાન), વરૂણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રિત સિંઘ (ઉપસુકાની), અમિત રોહિદાસ, જુગરાજસિંઘ, જરમનપ્રિત સિંઘ, હાર્દિક સિંઘ, વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંઘ, આકાશદિપ સિંઘ, નીલકાંત વર્મા, મનદિપ સિંઘ, ગુરજંટ સિંઘ, લલિતકુમાર ઉપાધ્યાય અને અભિષેક.
Published on: Tue, 21 Jun 2022
કોમનવેલ્થ ગેમ્સની હોકી ટીમનું સુકાન મનપ્રીતને સોંપાયું
