વેદાંતાએ સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ વેચવા કાઢયો

ચેન્નાઈ, તા. 20 : વેદાંતા લિમિટેડના વડા અનિલ અગ્રવાલે તામિલનાડુના થૂથુકુડીમાં આવેલું સ્ટરલાઈટ કોપર યુનિટ ખરીદવામાં રસ ધરાવતા પક્ષો પાસેથી એક્પ્રેશન અૉફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ) મગાવ્યાં છે.  
યુનિટની ખરીદી માટે એક્પ્રેશન અૉફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ ચોથી જુલાઈ છે. વેદાંતાએ એક્સિસ કેપિટલ સાથેનાં જોડાણમાં બિડ્સ મગાવ્યાં છે. મે, 2018માં પ્લાન્ટના વિસ્તરણ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયારિંગમાં 13 લોકો માર્યા ગયા હતા અને આશરે 102 જણને ઈજા પહોંચી હતી. આને પગલે યુનિટના સ્મેલ્ટર અને રિફાઇનિંગ કૉમ્પ્લેક્સ બંધ કરી દેવાયાં હતાં. સ્ટરલાઈટ કોપરનો દાવો છે કે આ યુનિટમાં ઉત્પાદન ખોરંભે પડતાં દેશને 1.2 અબજ ડૉલર કરતાં વધુનું નુકસાન થયું છે.  
પ્લાન્ટ ઠપ પડતાં લગભગ 1,20,000 લોકોને અસર થઈ છે. આશરે 400 જેટલાં એમએસએમઈ એકમો, જે કોપર, સલ્ફ્યુરિક એસિડ અને ફ્લુરોસિલિસિસ એસિડ જેવાં ઉત્પાદનો માટે સ્ટરલાઇટ ઉપર નિર્ભર હતાં, તે પણ પ્રભાવિત થયાં છે. એક અનુમાન મુજબ પ્લાન્ટ બંધ પડવાને કારણે આશરે રૂા. 700 કરોડનું વાર્ષિક નુકસાન થયું છે. આ પ્લાન્ટ દેશમાં તાંબાની લગભગ 40 ટકા માગ પૂરી કરતો હતો અને સરકારને તેનાથી રૂા. 2500 કરોડની આવક હતી. તામિલનાડુમાં થૂથુકુડી બંદરની આવકમાં 12 ટકા હિસ્સો તેમ જ સલ્ફ્યુરિક એસિડના બજારમાં 95 ટકા હિસ્સો આ પ્લાન્ટનો હતો. 
પ્લાન્ટમાં કોપર સ્મેલ્ટરની ક્ષમતા વર્ષે ચાર લાખ મેટ્રિક ટન છે, જે દેશની રિફાઇન્ડ કોપરની જરૂરિયાતો પૂરી કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે. યુનિટમાં રિફાઇનરી અને કોપર રોડ પ્લાન્ટ ઉપરાંત વર્ષે 12 લાખ મિલિયન ટનથી વધુ ક્ષમતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ અને 2.20 મિલિયન ટન ક્ષમતા ધરાવતો ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ પણ સામેલ છે. કોપર સ્મેલ્ટરને વીજળી મળી રહે તે માટે 160 મેગાવૉટનો કોલસા આધારિત વીજ પ્લાન્ટ પણ છે. 
વર્ષ 2018માં જ્યારે કંપનીએ વિસ્તરણ હાથ ધર્યું ત્યારથી સમસ્યા શરૂ થઈ હતી. સ્ટરલાઈટ પોતાની ક્ષમતા ચાર લાખ ટનથી બમણી કરીને આઠ લાખ ટન કરવા માગતી હતી. પ્લાન્ટ બંધ પડ્યા બાદ તામિલનાડુ સરકારે વર્ષ 2019માં મદ્રાસ હાઇ કોર્ટને જાણ કરી હતી કે પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ફક્ત 2013ના એક જ વર્ષ દરમિયાન 84 અકસ્માતો બન્યા હતા. 
વૈશ્વિક મંદીની ચિંતા ધાતુ અને ક્રૂડની માગ ઉપર જોવા મળી રહી છે, જેના પગલે ઍલ્યુમિનિયમ અને અૉઇલ જેવી કૉમોડિટીઝના ભાવ ઘટ્યા છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer