ફેડની વધુ આક્રમક નીતિના ભણકારાથી અથડાતું સોનું

ફેડની વધુ આક્રમક નીતિના ભણકારાથી અથડાતું સોનું
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 : બુલિયન બજારમાં કિંમતી ધાતુઓના ભાવ મક્કમ રહ્યા હતા. ડોલરનું મૂલ્ય થોડું નરમ પડ્યું હતુ પરંતુ આર્થિક વિકાસ અંગે ચિંતા અને ફુગાવાને જોતા આવનારા મહિનાઓમાં વધુ આક્રમક નાણા નીતિ અમેરિકા જાહેર કરશે એવું લાગી રહ્યું હોવાથી વધઘટ બહુ પાંખી રહે તેમ છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1840 ડોલર અને ચાંદીનો ભાવ 21.59 ડોલર રનીંગ હતો. 
અમેરિકી ડોલર અને બોન્ડ તૂટવાને લીધે સોનાના ભાવમાં સુધારાનો પવન ફુંકાય તેમ હતુ પરંતુ સુધારો થઇ શક્યો ન હતો. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે એવું કહ્યું હતુ કે, ફુગાવા સામે લડવા માટે ફેડ કોઇપણ પગલા લેવા પડશે તો તે લેશે. એ કારણે હજુ આવનારી ફેડની બેઠકમાં પણ 75 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો આવી જવાનો ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે ફુગાવો સોનાને સુધારા માટે બળ આપતો હોય છે પણ વધતા વ્યાજર ડોલરને તેજી ભણી લઇ જાય અને તેનાથી સોનું ઓછું રોકાણપાત્ર રહેતું હોય છે. 
અમેરિકામાં સોમવારે જાહેર રજા હતી એટલે વધઘટ પાંખી રહી હતી.બજાર આવતા દિવસોમાં સાંકડી રેન્જમાં અથડાઇ જાય એવી ધારણા રખાતી હતી. સોનાની રેન્જ 1780થી 1870 વચ્ચે રહેશે. 
બેંકરો સાથે ફેડના ચેરમેન જેરોમ પોવેલની બેઠક ચાલુ સપ્તાહમાં મળવાની છે. બુધવારે અને ગુરુવારે હાઉસને સંબોધન આપશે ત્યારે ફેડની નાણાનીતિ અંગે અને ફુગાવાના વિષય પર શું ચાલી રહ્યું છે તેની ઘણી વાતો બહાર આવશે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.50 ઘટતા રૂ. 52290 અને મુંબઇમાં રૂ. 164 ઘટીને રૂ. 51005 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 300 નરમ પડીને રૂ.61500 તથા મુંબઇમાં રૂ. 579 ઘટી જઇને રૂ. 60979 રહી હતી.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer