બૉમ્બે હાઈ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની રજૂઆત
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યની જેલોમાં કર્મચારીઓની અછત છે અને કેદીઓને ટેલિફોન અને વીડિયો કૉલની સગવડ અપાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
મહારાષ્ટ્ર એડિશનલ ડાયરેક્ટર જનરલ (પ્રિઝન્સ) સુનીલ રામાનંદ દ્વારા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે જેલના કેદીઓને આવી સુવિધા અપાવવાની શરૂઆત કરવા માટે ઓછામાં ઓછા 400 જેટલા વધારાના સ્ટાફની જરૂર પડશે.
રાજ્યની તમામ જેલોમાં વીડિયો અને વોઇસ કૉલની સગવડો ફરીથી શરૂ કરવા માટે ટેલિફોન અને સંદેશવ્યવહારના અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો તત્કાળ સ્થાપવાની માગણી કરતી પીપલ્સ યુનિયન અૉફ સિવિલ લિબર્ટીઝની જાહેરહિતની અરજી પર સરકાર તેનો જવાબ આપી રહી હતી.
આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ-19ની પ્રથમ બે લહેર દરમિયાન રાજ્યની જેલોના સત્તાવાળાઓએ કેદીઓને તેમના અપરાધોને જોયા વગર ટેલિફોન અને વીડિયો કૉન્ફરન્સની સુવિધાઓ પૂરી પાડી હતી.
રાજ્ય સરકારે તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે `કોઈન બૉક્સ' પૂરા પાડયા હતા જેમાં સિક્કા નાખીને કેદીઓ ફોન કૉલ કરી શકતા હતા. સરકારે ફોન અને વીડિયો કૉલ્સ માટે સ્માર્ટ ફોન, વાઈફાઈ (સુવિધા) અને ટેબલેટ્સ પણ પૂરા પાડયા હતા.
હવે જ્યારે રાજ્ય સરકારે કેદીઓ અને તેમના વકીલો અને મુલાકાતીઓ સાથેની મુલાકાતો ફરીથી શરૂ કરી છે ત્યારે ઉપરોક્ત સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવી છે.
રાજ્ય સરકાર પાસે ટેલિફોન અને વીડિયો કૉન્ફરન્સિંગ જેવી સુવિધા પૂરી પાડવા જરૂરી યંત્રણા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એમ એફિડેવિટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.
Published on: Tue, 21 Jun 2022