અગ્નિપથ અને રાહુલની પૂછપરછ સંબંધે આવેદનપત્ર

કૉંગ્રેસ નેતાઓ રાષ્ટ્રપતિના દ્વારે
નવી દિલ્હી, તા. 20: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસે મોરચો માંડયો છે. કોંગ્રેસ નેતાઓએ સોમવારે વિજય ચોકથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવને પહોંચીને રામનાથ કોવિન્દની મુલાકાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસી નેતાઓએ અગ્નિપથ યોજનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. રજૂઆત સમયે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહલોત, ભૂપેશ બધેલ, અધીર રંજન ચૌધરી, પી ચિદમ્બરમ, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. 
કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું હતું કે, મુલાકાત દરમિયાન બે આવેદન પાઠવવામાં આવ્યા હતા. પહેલું આવેદન અગ્નિપથ યોજનાના વિરોધમાં હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યોજનાને લઈને સરકાર દરરોજ બદલાવ કરી રહી છે. જેનાથી સશત્ર દળની ક્ષમતા ઓછી થશે. બીજા આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીને ઈડી તરફથી હેરાન કરવામાં આવી રહ્યા છે. નેતાઓ જ્યારે રાહુલ ગાંધીનાં સમર્થનમાં નારા લગાડી રહ્યા હતા ત્યારે પોલીસે કોંગ્રેસ નેતાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. જેનાં કારણે એક મહિલા સાંસદ તો હોસ્પિટલમાં દાખલ છે. 
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ ખડગેએ કહ્યું હતું કે, ઈડી રાહુલ ગાંધીને પરેશાન કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને કચડવાની કોશિશ થઈ રહી છે. સત્યાગ્રહમાં સામેલ કોંગ્રેસ નેતાઓને હેરાન કરવામાં આવ્યા છે. જો કોઈને ડિટેન કરવાના હોયફ તો લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેનને જાણકારી આપવી જોઈએ પણ આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer