ટીડીએસના નિયમોમાં જુલાઈથી મોટા બદલાવ

રૂ.20,000થી વધુના ઉપહાર ઉપર લાગશે 10 ટકા ટીડીએસ
નવી દિલ્હી, તા. 20: આગામી પહેલી જુલાઈથી ટીડીએસ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. જેનાથી ગિફ્ટની લેણદેણ મોંઘી બની શકે છે. હકકીતમાં નવા નિયમ હેઠળ આવકવેરા કાયદામાં એક નવી ધારા 194 આર જોડવામાં આવી છે. હવે એક નાણાકીય વર્ષમાં 20,000 રૂપિયા કે તેનાથી વધારેનો બેનિફિટ આપવામાં આવશે તો તેના ઉપર 10 ટકા ટીડીએસ લાગશે. ફેબ્રુઆરી 2022મા રજૂ થયેલા બજેટમાં આવકવેરા નિયમમાં ફેરફાર માટે જોગવાઈ કરવામાં આવી હતી. 
નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ કમલેશ સી વાર્ષ્ણેય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ગિફ્ટની સુવિધા વધારાના લાભમાં આવે છે અને તેના ઉપર ટેક્સ લાગુ થશે. ટીડીએસ ઉપહાર આપનારી વ્યક્તિ ઉપહાર લેનારી વ્યક્તિ પાસેથી મેળવશે. જેના ઉપર કોઈ ભ્રમની સ્થિતિ બનવી જોઈએ નહીં. ટીડીએસ માત્ર રોકડ ઉપર નહીં પણ કંપનીના ડાયરેક્ટર્સને અપાતા શેર, કાર, સ્પોન્સર્ડ બિઝનેસ ટ્રિપ કે કોન્ફ્રેન્સનાં આયોજન ઉપર પણ લાગશે. આ ઉપરાંત લાભ કે ભથ્થું માલિક, ડાયરેક્ટર કે કોઈ સંબંધીને આપવામાં આવે તો તેમાં પણ ટીડીએસની ચુકવણી કરવી પડશે. 
આ ઉપરાંત ડોક્ટરોને આપવામાં આવતા ફ્રી સેમ્પલ્સ, ટિકિટ કે અન્ય સ્પોન્સર્ડ સામગ્રી ઉપર પણ હવે ટીડીએસ લાગશે. નવા નિયમ મુજબ જો કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કોઈ કંપનીની સ્પોન્સર્ડ આઇટમનો પ્રચાર કર્યા બાદ પોતાની પાસે રાખે તો તેમાં પણ ટીડીએસની ચુકવણી કરવી પડશે. જો કે વસ્તુ પરત કરે તો જોગવાઈ લાગુ થશે નહીં. ગ્રાહકોને સેલ્સ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ કે રિબેટેડ ઓફર આપવામાં આવે તેમાં જોગવાઈ લાગુ થશે નહીં.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer