કોરોના : પાંચમા દિવસે 12 હજારથી વધુ સંક્રમિતો

સારવાર લેતા દર્દી વધે છે
નવી દિલ્હી, તા. 20 : અનેક ભાગોમાં ચોથી લહેર શરૂ થઈ ગઈ હોય, તેમ સતત વધતાં જતાં સંક્રમણે ફરીવાર ભારતીય જનજીવનના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે. દેશમાં સોમવારે સળંગ પાંચમા દિવસે 12 હજારથી વધુ નવા દર્દી નોંધાયા હતા. દેશમાં આજે 12,781 નવા દર્દી ઉમેરાયા હતા, જેમાંથી એકલાં મહારાષ્ટ્રમાં ચાર હજાર કેસ નોંધાયા છે. કુલ્લ દર્દીની સંખ્યા 4,33,09,473 થઈ ગઈ છે.
કેરળમાં 11, દિલ્હીમાં ત્રણ સહિત દેશમાં વધુ 18 દર્દીને કાળમુખાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 5,24,873 દર્દી જીવ ખોઈ ચૂકયા છે. આજે 4226 કેસોના વધારા બાદ સારવાર લેતા દર્દીઓની સંખ્યા 76 હજારને આંબી ગઈ છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.18 ટકા થઈ ગયું છે.
દેશનાં વિવિધ ભાગોમાં 24 કલાકમાં વધુ 8537 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 4,27,07,900 દર્દી સાજા થઈ ચૂકયા છે. સંક્રમણનો દૈનિક દર 130 દિવસ બાદ ચાર ટકાને પાર કરી 4.32 ટકા થઈ ગયો છે. રિકવરી રેટ 98.61 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધી 196.18 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂકયા છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer