શિંગણાપુરના વિશ્વસ્ત મંડળ દ્વારા ભક્તોની લૂંટ?
મુંબઈ, તા. 20 : શનિ શિંગણાપૂર સ્થિત `શ્રી શનૈશ્ચર દેવસ્થાન ટ્રસ્ટ'ના વિશ્વસ્ત મંડળે રૂા. 500ની દાન પાવતી (પહોંચ) ફાડનારા ભક્તો ચબૂતરે જઈને તેલ અભિષેક કરી શકે, તેવો નિર્ણય લીધો છે. તેનો અર્થ, જે ભક્ત 500 રૂપિયાની દાન પાવતી (પહોંચ) ફાડી શકશે નહીં, તે તેલ અભિષેક વિધિ કરી શકશે નહીં. આના દ્વારા વિશ્વસ્ત મંડળ ગરીબ ભક્તોનો શનિદેવતા પર અભિષેક કરવાનો બંધારણીય અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ એક પ્રકારથી ભક્તોની આર્થિક લૂંટ છે. આ નિર્ણય વિશ્વસ્ત મંડળે તુરંત પાછળ લેવો; નહીંતર તેનો વિરોધ કરવામાં આવશે, એવી ચેતવણી હિંદુ જનજાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સંગઠક સુનીલ ઘનવટે આપી છે.
મંદિરાની પવિત્રતા જાળવવાને બદલે તેને વ્યવસાય કેન્દ્ર બનાવવું કેટલુંક યોગ્ય છે? કોરોના પહેલાં સુધી ભક્તો પાસેથી ચબૂતરે જવાના પૈસા લેવામાં આવતા નહોતા, અત્યારે અચાનક આ નિર્ણય કેવી રીતે લીધો? દેવતાની પૂજા-અર્ચા વિધિ કરવા વિશે દેવસ્થાને જે ધારાધોરણો બનાવ્યા છે, તેમાં પોતાને મનફાવે તેમ પાલટ કરવાનો કોઈને પણ અધિકાર નથી. વિશ્વસ્ત મંડળનો આ નિર્ણય અન્યાયકારક છે અને દેવસ્થાનના ધારાધોરણો પ્રમાણે નથી, એવું ગ્રામસ્થ અને પંચક્રોશીમાંના ભક્તોનું કહેવું છે.
Published on: Tue, 21 Jun 2022