પોલીસ કમિશનરે લોકોની ફરિયાદનો ઉકેલ લાવવા સિટિઝન ફોરમ સાથે હાથ મિલાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : મુંબઈમાં સરકારી સંસ્થાઓ સામાન્ય લોકોની ફરિયાદ સાંભળી એનો સમયસર ઉકેલ લાવે એ માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ નાગરિકોના એક જૂથ સાથે હાથ મિલાવ્યા છે  અને એક નાગરિક મંચની રચના કરી છે. ગયા મહિને ચૂંટણી પ્રક્રિયા દ્વારા આ નાગરિક મંચની રચના કરવામાં આવી હતી. નાગરિકોએ `િસટિઝન ફર્સ્ટ બિલ, 2022' નામનો ખરડો પણ તૈયાર કર્યો છે અને આ ખરડો હવે સરકારને સુપરત કરવામાં આવશે. આ નાગરિક મંચની એક વાબસાઈટ પણ છે અને જેને આ મંચનું સભ્ય બનવું હોય એ વેબસાઈટ મારફતે બની શકે છે. 
2015ના મહારાષ્ટ્ર રાઈટ ટુ પબ્લિક સર્વિસ ઍક્ટનો અમલ બરાબર થાય એનું આ મંચ ધ્યાન રાખવા માગે છે. સરકારી સેવકો તેમની ફરજ યોગ્ય રીતે ન નિભાવે તો તેમની સામે પગલા લેવાનો આ કાયદામાં ઉલ્લેખ છે. આ કાયદામાં નાગરિકનો કાયદેસર વ્યક્તિ તરીકે ઉલ્લેખ છે, પણ એમાં નાગરિક જૂથનો કોઈ ઉલ્લેખ નથી. 
`િસટિઝન ફર્સ્ટ બિલ, 2022' નામના ખરડામાં નાગરિકો અને નાગરિક જૂથોની વ્યાખ્યા આપવામાં આવી છે એને એમાં નાગરિક મંચને લોકતાંત્રિક પદ્ધતિથી બનાવવાનો ઉલ્લેખ છે. એમાં જણાવાયું છે કે એમ થશે તો સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયામાં લોકોની ભાગીદારીને મજબૂત બનાવાશે અને લોકોને તેમની સમસ્યા વિશે સમયસર દાદ પણ મળી શકશે. 
પોલીસ કમિશનર સંજય પાંડે કહે છે કે અમે એક ટ્રસ્ટની રચના કરી રહ્યા છીએ અને એ ટ્રસ્ટ તમામ પ્રવૃતિ ચલાવશે અને આર્થિક ટેકો પણ આપશે. નૈતિક વિજ્ઞાન અને મુલ્યો વિશે બાળમંદિરથી લઈ પાંચમા ધોરણના બાળકોને શિક્ષણ આપવાની મેં ભલામણ કરી છે. આ ખરડામાં દંડ અને કોગ્નિઝેબલ ગુના વિશે પણ ઉલ્લેખ છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer