કર્ફ્યુ ન હોય ત્યારે મુંબઈમાં મોડી રાત સુધી ફરવું એ કાંઈ ગુનો ન કહેવાય : કોર્ટ

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મુંબઈ જેવા શહેરમાં કર્ફ્યુ ન હોય ત્યારે મોડી રાત સુધી ફરવું એ ગુનો ન કહેવાય એમ સ્થાનિક કોર્ટે 29 વર્ષના પુરુષને નિર્દોષ જાહેર કરતાં જણાવ્યું હતું. શંકાસ્પદ સંજોગોમાં શહેરમાં મોડી રાત સુધી રસ્તા પર બેઠેલા આ શખસ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
13 જૂનના શહેરની પોલીસે આ શખસ સામે કેસ નોંધ્યો હતો અને 16 જૂનના આ શખસને નિર્દોષ જાહેર કરતો હુકમ ગિરગામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે બહાર પાડયો હતો.
મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે સરકારી પક્ષ દ્વારા સુપરત કરાયેલા પુરાવાના આધારે કોર્ટ માટે એવું માની લેવું મુશ્કેલ છે કે અપરાધ કરવા આરોપી તેની ઓળખ છુપાવી રહ્યો હતો.
પોલીસે એવો દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશનો સુમીત કશ્યપ નામનો આ શખસ દક્ષિણ મુંબઈમાં મોડી રાતે બેઠો હતો ત્યારે તેણે રૂમાલથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. પોલીસે તેની સામે મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 122 (બી) હેઠળ કેસ નોંધ્યો હતો.
આ કલમમાં એવી જોગવાઈ છે કે જો કોઈ શખસ અપરાધના ઇરાદા સાથે પોતાનું મોઢું ઢાંકી રાખે અને તે સૂર્યોદયથી 
સૂર્યાસ્ત દરમિયાન એમ કરતો જોવા મળે તો તેની સામે કેસ દાખલ થઈ શકે.
મેજિસ્ટ્રેટ નદીમ પટેલે જણાવ્યું હતું કે આરોપીની મુંબઈમાં રાતના દોઢ વાગે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ જેવા શહેરમાં દોઢ વાગે એ બહુ મોડું ન કહેવાય. કોઈ પણ રસ્તા પર ઊભો રહી શકે અને એટલે એમ કહી ન શકાય કે તે અપરાધના ઇરાદા સાથે મોઢું છુપાવી રહ્યો હતો. જો એમ પણ માની લો કે દોઢ વાગે બહુ મોડું કહેવાય તો પણ રાત્રી કર્ફ્યુ ન હોય અને કોઈ રસ્તા પર ફરતું હોય તો એ કાંઈ અપરાધ ન કહેવાય એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
કોર્ટે કશ્યપને નિર્દોષ છોડી મૂકતાં જણાવ્યું હતું કે સરકારી પક્ષ આરોપીને ગુનેગાર ઠરાવવામાં નિષ્ફળ ગયો છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer