મુંબઈ, તા. 20 : સ્ટેટ એજ્યુકેશન બોર્ડના 10મા અને 12મા ધોરણના પરિણામ જાહેર થઈ ગયા છે. બે વર્ષ પછી યોજાયેલી અૉફલાઈન પરીક્ષામાં લગભગ 28 લાખ વિદ્યાર્થી ઉર્ત્તીણ થયા છે. જો કે આ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં પ્રવેશ માટે લાંબી રાહ જોવી પડી શકે છે. કોરોના સંક્રમણને કારણે ગત બે વર્ષથી વિવિધ કોર્સની એડમિશન પ્રક્રિયા પર અસર પડી રહી છે. એન્જિનિયરિંગ, મેડિકલ સહિત અન્ય કોર્સના અભ્યાસક્રમ પોતાના નિર્ધારિત સમય કરતાં ત્રણથી છ મહિના વિલંબથી શરૂ થયા છે.
સીબીએસઈ સહિત અન્ય બોર્ડના 10મા અને 12મા ધોરણના પરિણામ જાહેર થયા નથી. આથી આ વર્ષે કોરોના પ્રકોપ ઓછો હોવા છતાં કેટલાક કોર્સની પ્રવેશ પરીક્ષામાં વિલંબ થઈ શકે છે. એની સીધી અસર રાજ્યની ડિગ્રી કોલેજ, જુનિયર કોલેજ સહિત વિવિધ કોર્સની પ્રવેશ પરીક્ષા પર પડી શકે છે. નેશનલ ઈન્ડિપેન્ડેન્સ સ્કૂલ એલાયન્સના સંસ્થાપક સભ્ય ભરત મલિકે જણાવ્યું હતું કે સીબીએસઈના પરિણામ જાહેર થવામાં એકથી દોઢ મહિનાનો સમય લાગી શકે છે. અન્ય બોર્ડના પરિણામ જાહેર થયા બાદ મુંબઈ સહિત રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા આગળ વધી શકશે.
મેરિટ લિસ્ટની તારીખ પર અસર
મુંબઈ યુનિવર્સિટીએ ડિગ્રી કોલેજમાં એડમિશન માટે અૉનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ જમા કરવાની શરૂઆત કરી છે. ફૌર્મ જમા કરવાની અંતિમ તારીખ આવી જવા છતાં યુનિવર્સિટી હજી સુધી મેરિટ લિસ્ટ તારીખ જાહેર કરી શકી નથી. દર વર્ષે ફોર્મ ભરવાની તારીખ સાથે જ મેરિટ લિસ્ટની તારીખોની જાહેરાત કરી દેવામાં આવતી હતી. જુનિયર કોલેજમાં એડમિશન લેવા માટે પણ હજી સુધી મેરિટ લિસ્ટની તારીખોની જાહેરાત થઈ નથી.
Published on: Tue, 21 Jun 2022