નવીદિલ્હી, તા. 20: સેનામાં ભર્તી માટે વિવાદમાં ઘેરાઈ ગયેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ યોજના અને વિરોધનો કોઈપણ ઉલ્લેખ કર્યા વગર એક સૂચક વિધાનમાં સરકારના આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે, અનેક નિર્ણયો શરૂઆતમાં અનુચિત લાગી શકે છે પણ આગળ જતાં તે રાષ્ટ્રનિર્માણમાં મદદરૂપ, ફાયદાકારક પૂરવાર થતાં હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગ્લુરુમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, અનેક નિર્ણયો અને ફેંસલા શરૂઆતમાં ખરાબ લાગે છે પણ લાંબા સમય પછી તેનાથી દેશને ફાયદો થતો હોય છે. જો કે મોદીએ અગ્નિપથ યોજનાનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
કર્ણાટકનાં પાટનગરમાં અનેક વિકાસકાર્યોનાં લોકાર્પણ પ્રસંગે મોદીએ આ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, આપણે અવકાશ, સંરક્ષણ જેવાં અનેક ક્ષેત્રને દેશના યુવાનો માટે ખુલ્લા કરી દીધાં છે. જેમાં દાયકાઓ સુધી સરકારનો જ એકાધિકાર હતો. આજે અમે યુવાનોને કહી રહ્યા છીએ કે સરકારે જે વિશ્વસ્તરીય સુવિધાઓ બનાવી છે તેમાં પોતાની દૃષ્ટિ અને પ્રતિભાનો ઉપયોગ કરો. આપણે દુનિયા સાથે ત્યારે જ મુકાબલો કરી શકીશું જ્યારે બધાને સમાન અવસર મળશે.
Published on: Tue, 21 Jun 2022
શરૂઆતમાં અનુચિત લાગતા સુધારા પછી ફાયદાકાર નીવડે છે : મોદી
