રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બીજા પુત્ર મસ્તાનભાઈનો જીવનદીપ બુઝાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બીજા પુત્ર મસ્તાનભાઈનો જીવનદીપ બુઝાયો
વડોદરા, તા. 20 : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મસ્તાનભાઈ મેઘાણીનું શનિવારે 91 વર્ષની વયે વડોદરા ખાતે નિધન થયું છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં છે.  
29 ડિસેમ્બર, 1931ના ભાવનગર ખાતે જન્મેલા અને છેલ્લાં 20 વર્ષથી વડોદરા ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહેલા મસ્તાનભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. એમનું સાલસ અને સરળ વ્યક્તિત્વ સહુને સ્પર્શી જતું. ડેરી ટેકનૉલૉજીના ઉચ્ચ અભ્યાસ પછી તેઓ સ્વિડન અને કુવૈત ખાતે કાર્યરત રહ્યા હતા.  
1946માં કડીમાં અભ્યાસ કરતા પુત્ર-બેલડી નાનકભાઈ અને મસ્તાનભાઈના જન્મદિવસે પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો : તમે ફકત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો. જોડિયા-ભાઈઓ માંડ એકાદ વર્ષનાં હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું હતું. 
મેઘાણીના પુત્ર નાનકભાઈના પુત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, પોતાનાં દરેક સંતાનના જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાનાં પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતાં. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે બાપુજીની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતાં. પોતાના એક જન્મદિવસે  નાનકભાઈ-મસ્તાનભાઈ બાપુજીને વહાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે : બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ?  પ્રેમાળ પિતા તરત જ પોતાના વહાલા પુત્રોની લાગણી પામી ગયા અને બાપુજી તરીકે જ સહી કરી. 
મસ્તાનભાઈના જોડિયા-ભાઈ નાનકભાઈનું 20 જુલાઈ 2014ના રોજ 82 વર્ષે અમદાવાદ ખાતે નિધન થયું હતું.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer