ભાજપે રાજ્યસભાની સફળતા વિધાન પરિષદની ચૂંટણીમાં દોહરાવી

ભાજપે રાજ્યસભાની સફળતા વિધાન પરિષદની ચૂંટણીમાં દોહરાવી
વધુ દસ મત મેળવવામાં ફડણવીસ સફળ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના પાંચ અને ભાજપના પાંચ ઉમેદવારો વિજયી નીવડયા છે. ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ પક્ષે રાજ્યસભાની ચૂંટણીમાં મેળવેલા વિજયનું પુનરાવર્તન કર્યું છે. `આઘાડી'ના ઘટકપક્ષો - શિવસેનાના ઉમેદવારો સચીન આહીર અને અમાશા પાડવી તેમ જ રાષ્ટ્રવાદીના રામરાજે નિમ્બાળકર અને એકનાથ ખડસે વિજયી નીવડયા છે. ભાજપના ઉમેદવારો - પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, શ્રીકાંત ભારતીય, પ્રસાદ લાડ અને પ્રા. રામ શિંદેની જીત થઈ છે. કૉંગ્રેસના ભાઈ જગતાપનો વિજય થયો છે. કૉંગ્રેસના બીજા ઉમેદવાર ચંદ્રકાંત હંડોરે હારી ગયા છે.
ભાજપને મહાવિકાસ આઘાડીના પક્ષોના સભ્યોને પોતાની તરફેણમાં ક્રોસ વોટીંગ કરાવવામાં તેમ જ નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોનો ટેકો મેળવવામાં સફળતી મળી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 123 મત મળ્યાં હતાં, પણ આજે 133 મળ્યાં છે.
કૉંગ્રેસના ભાઈ જગતાપને પ્રથમ પસંદગીના 19 મત અને ભાજપના પ્રસાદ લાડને પ્રથમ પસંદગીના 17 મત મળવા છતાં ચૂંટણી જીતી ગયા છે. કૉંગ્રેસના ચંદ્રકાંત હંડોરેને પ્રથમ પસંદગીના 22 મત મળવા છતાં ચૂંટણી હારી ગયા છે. ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય અતુલ ભાતખળકરે જણાવ્યું છે કે પ્રથમ પસંદગીના મત પ્રા. રામ શિંદે 30, શ્રીકાંત ભારતીયને 30, પ્રવીણ દરેકરને 29 અને ઉમા ખાપરેને 27 મત મળ્યા હતા. તેઓના વધારાના મત  અમારા પાંચમા ઉમેદવારને ટ્રાન્સફર થશે. ભાજપના ઉમેદવારોને પ્રથમ પસંદગીના 133 મત મળ્યા છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા એકનાથ ખડસેએ વિજય પછી પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં છ વર્ષથી હું રાજકીય રીતે ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યો છું. રાષ્ટ્રવાદીના પાસે 51 વિધાનસભ્યો હોવા છતાં મને અને રામરાજ નિમ્બાળકરને કુલ 57 મત મળ્યા છે. તે બતાવે છે કે ભાજપમાંના મારા મિત્ર વિધાનસભ્યોએ અમારી તરફેણમાં મતદાન કર્યું છે એમ ખડસેએ ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના કુલ સભ્યો 288 છે. શિવસેનાના રમેશ લટકેનું તાજેતરમાં અવસાન થયું હતું જ્યારે રાષ્ટ્રવાદીના બે સભ્યોને કોર્ટે મતદાન કરવાની પરવાનગી આપી નહોતી તેથી કુલ 285 સભ્યોએ મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં ભાજપ વતીથી વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, ભૂતપૂર્વ પ્રધાન રામ શિંદે, પ્રસાદ લાડ, ઉમા ખાપરે અને શ્રીકાંત ભારતીયએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સત્તાધારી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો - શિવસેનાએ કામદાર નેતા સચીન આહીર અને આદિવાસી આગેવાન અમાશા પાડવીને, કૉંગ્રેસે મુંબઈના ભૂતપૂર્વ મેયર ચંદ્રકાંત હેડોરે અને કામદાર નેતા ભાઈ જગતાપ તેમ જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસે વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નિમ્બાળકર અને ભાજપ છોડનારા ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેને ઉમેદવારી આપી છે.
વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નિમ્બાળકર અને સંજય દૌંડ (બન્ને રાષ્ટ્રવાદી), વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને સુજિતસિંહ ઠાકુર (બધા ભાજપ), ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ અને ભૂતપૂર્વ પ્રધાન દિપાકર રાવતે (બન્ને શિવસેના) તેમ જ મરાઠા નેતા વિનાયક મેટે અને સદાભાઉ ખોત (ભાજપના સાથી પક્ષના સભ્યો) એ નવ સભ્યો નિવૃત્ત થતા હોવાથી આજે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપના વિધાન પરિષદના સભ્ય આર. એન. સિંહના નિધનને કારણે ખાલી પડેલી બેઠક માટે આજે મતદાન થયું હતું.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer