રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે આજે ફરી વિપક્ષોનું મંથન

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે આજે ફરી વિપક્ષોનું મંથન
પવાર, અબદુલ્લા બાદ ગોપાલ કૃષ્ણ ગાંધીની પણ અનિચ્છા
હવે સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચામાં, પવારે યોજેલી બેઠકમાં દીદી નહીં જાય
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગેનું રહસ્ય હજી પણ યથાવત છે. શરદ પવાર, ફારુખ અબદુલ્લા અને હવે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આ સંજોગો જોતાં કૉંગ્રેસને પોતાનો ઉમેદવાર ઊભો રાખવાનો અવસર મળશે કે? જોકે, શરદ પવારે ના પાડયા બાદ હવે મહારાષ્ટ્રના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેના નામ અંગે ચર્ચા થઈ રહી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ પદ માટે વિરોધ પક્ષના ઉમેદવાર શોધવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી અૉલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીએ પક્ષના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેને દિલ્હી બોલાવ્યા છે. 2002માં સુશીલકુમાર શિંદેને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભૈરોસિંહ શેખાવત સામે નૉમિનેટ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એ વખતે શેખાવત ચૂંટણી જીતી જવાનું નિશ્ચિત હોવા છતાં શિંદેને નૉમિનેટ કરાયા હતા.
શરદ પવારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે વિરોધ પક્ષોની બેઠક યોજાશે જેમાં આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સર્વસંમતિથી પોતાનો ઉમેદવાર ચૂંટવા માટે નિર્ણાયક સ્તરની ચર્ચા થવાની શક્યતા છે. જોકે, આ બેઠકમાં મમતા બેનરજી હાજરી નહીં આપે. પોતાના સૂચવેલાં ત્રણેય નામ તરફથી સાનુકુળ પ્રતિસાદ ન મળતા દીદી નારાજ હોવાનું કહેવાય રહ્યું છે. 
વિરોધ પક્ષના નેતાઓના જણાવ્યા મુજબ મંગળવારે પાર્લામેન્ટ એનેક્સ બિલ્ડિંગમાં યોજાનારી મિટિંગ પહેલાં સર્વસંમતિથી ઉમેદવાર નક્કી કરવા માટે વિરોધ પક્ષો વચ્ચે આંતરિક ચર્ચા મોટા પાયે ચાલી રહી છે.
એનસીપીના નેતા શરદ પવારે સામાન્યજનોની સેવા ચાલુ રાખવા માટે ચૂંટણી લડવાની ના પાડતાં 15મી જૂને યોજાયેલી બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગોપાલ કૃષ્ણ ગાંધી અને ફારુખ અબદુલ્લાનું નામ સૂચવ્યું હતું.
એ પછી કેટલાક દિવસો બાદ ફારુખ અબદુલ્લાએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે મને લાગે છે કે જમ્મુ-કાશ્મીર વર્તમાનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને એને માર્ગદર્શન કરવામાં મારા પ્રયાસોની જરૂર છે.
ગોપાલ કૃષ્ણ ગાંધીએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું નામ સૂચવવા બદલ વિપક્ષના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વિશે ગહન વિચાર કરતાં મને લાગે છે કે વિરોધ પક્ષનો ઉમેદવાર એવો હોવો જોઇએ જે વિરોધ પક્ષની એકતા ઉપરાંત રાષ્ટ્રીય સહમતી અને રાષ્ટ્રીય માહોલ ઊભો કરે. મને લાગે છે કે મારા કરતાં વધુ સારો ઉમેદવાર હોઈ શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર વિશે ચર્ચા કરવા માટે વિરોધ પક્ષોની દિલ્હીમાં યોજાનારી બેઠક પહેલાં ગોપાલ કૃષ્ણ ગાંધીનું આ નિવેદન આવ્યું છે. મમતા બેનરજીએ તેમના નામનું સૂચન ર્ક્યું હતું. ગોપાલ કૃષ્ણ ગાંધીએ 2017માં વેન્કૈયા નાયડુ સામે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી હતી પરંતુ જીતી શક્યા નહોતા.
મમતા બેનરજી જોકે મંગળવારે યોજાનારી મિટિંગમાં ઉપસ્થિત રહેવાનાં નથી. એમના ભત્રીજા અભિષેક બેનરજી અને પક્ષના અન્ય સાંસદ મિટિંગમાં તૃણમૂલ કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે એવી શક્યતા છે.
ભાજપ દ્વારા 10 નામની વિચારણા
વિપક્ષને હવે નવાં નામ ઉપર વિચારણા કરવાની થશે ત્યારે સામે પક્ષે શાસક પક્ષ ભાજપ અને તેનાં એનડીએ મોરચા દ્વારા પણ વિભિન્ન નામો ઉપર મનોમંથન ચાલી રહ્યું છે. સૂત્રોના હવાલેથી મળતા અહેવાલો અનુસાર ભાજપ કમસેકમ 10 નામ ઉપર વિચારણા કરે છે. ભાજપમાં જે નામો ચર્ચામાં છે તેમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઈયા ઉઈકે કે પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનાં નામ ચર્ચામાં મોખરે છે. આ ઉપરાંત આંધ્રનાં રાજ્યપાલ વિશ્વભૂષણ હરિવંદન, બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, તેલંગણના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનનાં નામો પણ વિચારણામાં છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer