બીસીસીઆઇએ આયરલૅન્ડ પ્રવાસની ટીમને ઈંગ્લૅન્ડ બોલાવી
નવી દિલ્હી, તા.21: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં કહ્યં હતું કે ટીમ ઇન્ડિયામાં પ્રયોગનો દોર આયરલેન્ડ પ્રવાસ સુધી જ રહેશે. તેમના કથન અનુસાર ઇંગ્લેન્ડ પ્રવાસની ટી-20 શ્રેણીની ભારતની ટીમ લગભગ એ જ હશે જે આ વર્ષે ઓકટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ કપમાં રમશે. પણ નવા રિપોર્ટ અનુસાર આવું લાગી રહ્યં નથી.
અત્યંત વ્યસ્ત શેડયૂલને લીધે ભારત ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીના શરૂઆતના કેટલાક મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે અને આયરલેન્ડ પ્રવાસના કપ્તાન હાર્દિક પંડયા ઇંગ્લેન્ડ સામે પણ કપ્તાની કરતો જોવા મળી શકે છે.
હાર્દિકના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ 26 અને 28 જૂને આયરલેન્ડ સામે બે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમશે. જ્યારે મુખ્ય ટીમ ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 1 જુલાઇથી એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ પૂરો પાંચ દિવસ ચાલે તો ટેસ્ટ ટીમમાં સામેલ ભારતીય ખેલાડીઓનું ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં રમવું મુશ્કેલ બનશે. ખાસ કરીને કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનું. કારણ કે તેમની પાસે રેસ્ટનો ગાળો ફકત એક દિવસનો જ હશે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ આથી આયરલેન્ડ પ્રવાસની હાર્દિકની પૂરી ટીમ ઇંગ્લેન્ડ પહોંચે. એ સમયે મુખ્ય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમતી હશે. એ સમયે હાર્દિકના સુકાનીપદ હેઠળની ટીમ ઇંગ્લેન્ડની લોકલ ટીમ વિરૂધ્ધ ટી-20નો અભ્યાસ મેચ પણ રમશે.
Published on: Wed, 22 Jun 2022
ઈંગ્લૅન્ડ સામેની ટી-20 શ્રેણીમાં પણ પ્રયોગ અને હાર્દિક કપ્તાન ?
