105 વર્ષીય પરદાદી રામબાઇનો માસ્ટર્સ એથ્લેટિક્સમાં 100 મીટરની દોડમાં નવો રાષ્ટ્રીય રેકર્ડ

105 વર્ષીય પરદાદી રામબાઇનો માસ્ટર્સ એથ્લેટિક્સમાં 100 મીટરની દોડમાં નવો રાષ્ટ્રીય રેકર્ડ
નવી દિલ્હી, તા.21: નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 10પ વર્ષીય રામબાઈએ 100 મીટરની દોડમાં નવો રેકોર્ડ બનાવીને એ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર તો ફક્ત આંકડો છે, સપના પૂરા કરવાની કોઈ ઉંમર હોતી નથી. આ સ્પર્ધામાં પરદાદી રામબાઈએ 100 અને 200 મીટરની રેસના ગોલ્ડ મેડલ કબજે કર્યા છે. હવેનું તેમનું લક્ષ્ય ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાનું છે. વડોદરામાં યોજાયેલી ઉપરોક્ત સ્પર્ધામાં 8પ વર્ષ પ્લસની રેસમાં રામબાઈ એક માત્ર સ્પર્ધક હતાં. તેમણે 100 મીટરની રેસ 45.40 સેકન્ડમાં પૂરી કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ આ રેકોર્ડ માન કૌર નામનાં પરદાદીનાં નામે હતો. તેમણે 74 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. રામબાઈ દિલ્હી નજીક ચરખી દાદરી જિલ્લામાં કદમા ગામમાં રહે છે. રામબાઈ 105 વર્ષની ઉંમરે પણ દરરોજ બે વખત અરધો લીટર દૂધ પીવે છે. તેમને બાજરાનો રોટલો પસંદ છે. તેઓ રોજ 3-4 કિમી દોડવાની પ્રેક્ટિસ કરે છે અને ફક્ત ઓર્ગેનિક વસ્તુઓનો જ આહાર લે છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer