પામ-કપાસિયા-સીંગતેલમાં એકધારી મંદી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 : ચીનમાં લોકડાઉનને લીધે ધીમી  માગ અને ઇન્ડોનેશિયાને પામતેલની નિકાસ વધારી દેતા મલેશિયન પામતેલ વાયદો હાલકડોલક થઇ ગયો છે. મંગળવારે સતત પાંચમાં ક્ષત્રમાં 3 જી જાન્યુઆરી પછીના સૌથી નીચલા સ્તરે આવી ગયો હતો. સોમવારે 476 રીંગીટનું ગાબડું હતું. જો કે સતત કડાકા બાદ મંદી અટકી હતી. માત્ર 4 રીંગીટના સુધારે સપ્ટેમ્બર વાયદો 4985ની સપાટીએ બંધ થયો હતો. મલેશિયન વાયદાની મંદીની અસરે આયાતી તેલોમાં ઘટાડો વધ્યો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.10 ઘટીને રૂ. 1255-1260 હતું. સોયાતેલ રૂ. 15 તૂટીને રૂ.1310-1315 હતું. 
સૌરાષ્ટ્રમાં સિંગતેલ લૂઝ્નો ભાવ માગના અભાવે વધુ રૂ.10ના ઘટાડે રૂ.1540-1550 હતું. દિવસ દરમિયાન 3-4 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલીયાનો ભાવ રૂ. 2390-2391 હતો. સિંગખોળના રૂ.31500 જળવાયેલા હતા. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂ. 25ના કડાકામાં રૂ. 1375-1380 હતું. વોશમાં 8-10 ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયન વાયદાની અસરે અગાઉ ઊંચકાયેલા આયાતી-ઘરેલું ખાદ્યતેલોના ભાવ હવે પામ વાયદાની મંદીને લીધે સડસડાટ નીચી સપાટીએ સરકવા લાગ્યા છે. વપરાશકારો હવે રાહત અનુભવતા હોવાનું સંભળાય છે.  વેપારીઓએ કહ્યું કે, મલેશિયન વાયદાની વધઘટની અસર સ્થાનિક બજારમાં એક-બે દિવસ રહે છે. વાયદો ઊંચકાશે તો ફરી ખાદ્યતેલોના ભાવ અસ્થિર થઇ જશે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer