ડૉલર-બૉન્ડની તેજીને લીધે સોનું નરમ

ડૉલર-બૉન્ડની તેજીને લીધે સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી  
રાજકોટ, તા. 21 : અમેરિકામાં બોન્ડના મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે અને ડોલરમાં પણ વળતી તેજી થવાથી સોનાનો ભાવ ફરીથી નરમ પડ્યો છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1833 ડોલરની સપાટીએ અને ચાંદીનો ભાવ 21.62 ડોલર હતો. બુલિયન બજાર એકંદરે સાધારણ વધઘટ વચ્ચે અથડાઇ ગઇ હોવાથી વેપારો કંટાળાજનક બની રહ્યા છે.  
ડોલરની વધઘટ સોનાને હાલકડોલક સ્થિતિમાં રાખે છે. અમેરિકા જુલાઇમાં પણ મોટો વ્યાજદર વધારો કરશે એવો ભય બજારને લાગી રહ્યો છે એ કાણે સોનામાં વેચવાલી છે. બીજી તરફ ડોલરને તેજી માટે ઇંધણ મળી ગયું છે તેમ વિષ્લેષકોએ કહ્યું હતુ. ખાસ કરીને બોન્ડના વળતર ખૂબ સારાં છે એની સામે સોનાની ચમક ઝાંખી દેખાય રહી છે. 
એગ્રી કોમોડિટીઝના ભાવમાં ઘટાડો શરૂ થયો છે પણ હજુ ફુગાવો તાત્કાલિક અસરથી ઘટે તેવું જણાતું નથી એટલે ફેડ અને અન્ય દેશોની બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાનો રસ્તો ખૂલ્લો છે. માત્ર અમેરિકા જ નહીં ઇંગ્લેન્ડ, યુરોપ, ભારત અને હવે ઓસ્ટ્રેલિયા પણ વ્યાજદર વધારો કરવા જઇ રહી છે. 
ઓસ્ટ્રેલિયાની બેંકના વર્નરે વ્યાજદર વર્ષાન્ત સુધીમાં 7 ટકા સુધી લઇ જવાની વાત ઉચ્ચારી છે. 
ફેડ દ્વારા ચાલુ મહિનામાં 75 પોઇન્ટનો વ્યાજદર વધારો કરવામાં આવ્યો છે અને હવે આવનારી બેઠકમાં પણ એટલો જ વધારો ઝીંકાય તેવી ધારણા વ્યક્ત થઇ રહી છે એટલે બજારમાં ભારે ગભરાટનું વાતાવરણ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 40 ઘટતા રૂ. 52250 અને મુંબઇમાં રૂ. 91 ઘટીને રૂ. 50914 હતો. ચાંદી એખ કિલોએ રૂ.300 વધીને રાજકોટમાં રૂ. 61800 અને મુંબઇમાં રૂ. 98 વધતા રૂ. 61077 હતી.

Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer