નકલી ક્રિપ્ટો એક્સ્ચેન્જોમાં ભારતીય રોકાણકારોએ રૂા. 1000 કરોડ ગુમાવ્યા

નકલી ક્રિપ્ટો એક્સ્ચેન્જોમાં ભારતીય રોકાણકારોએ રૂા. 1000 કરોડ ગુમાવ્યા
નવી દિલ્હી, તા. 21 : નકલી ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જો થકી અને વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ તૂટી જવાથી ભારતીય રોકાણકારોને 12.8 કરોડ ડૉલરનો અર્થાત્ લગભગ રૂા. 1000 કરોડનો ફટકો પડયો છે.
સાયબર-સિક્યુરિટી કંપની કલાઉડસેકે જણાવ્યું છે કે કેટલાક શંકાસ્પદ ડોમેઈન્સ અને એન્ડ્રોઈડ આધારિત નકલી ક્રિપ્ટો એપ્લીકેશન્સમાં ચાલતી કામગીરી તેમણે શોધી કાઢી છે. મોટા પાયાના પ્રચાર થકી વ્યક્તિગત રોકાણકાર જંગી જુગાર કૌભાંડમાં લલચાય છે. મોટા ભાગની આ બોગસ વેબસાઈટો કોઈનએગ છે જે કાયદેસરનું યુકેસ્થિત ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ છે તેના નામે ખોટી રીતે પોતાની ઓળખ આપે છે. કલાઉડસેકને એક અસરગ્રસ્ત વ્યક્તિએ સંપર્ક સાધ્યો હતો, જેણે આ ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં રૂા. 50 લાખની રકમ ઉપરાંત ડિપોઝિટ, ટૅક્સ વગેરે ગુમાવ્યા હતા.
કલાઉડસેકના સ્થાપક અને સીઈઓ રાહુલ સાસીએ જણાવ્યું હતું કે જેવા રોકાણકારો તેમનું ધ્યાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પરોવે છે એટલે તરત જ ચીટરો અને કૌભાંડકારો રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. આ ચીટરો પ્રથમ તેમનું નકલી ડોમેઈન ઊભું કરે છે જે કાયદેસરના ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવું જ હોય છે. સાઈટ એવી રીતે ડિઝાઈન કરાય છે જે સત્તાવાર વેબસાઈટના કેસબોર્ડ અને યુઝર અનુભવનો આભાસ ઊભો કરે છે.
નકલી ક્રિપ્ટો એક્સ્ચેન્જને 100 ડૉલર ક્રેડિટ ભેટસ્વરૂપે આપવાની વાત કરે છે. અસરગ્રસ્તને પ્રારંભમાં નોંધપાત્ર નફો થાય છે અને તેનો પ્લેટફોર્મમાં વિશ્વાસ વધે છે. ત્યાર બાદ તે વધુ બહેતર વળતર મળવાની આશાએ વધુ રોકાણ કરવા લલચાય છે.
એકવાર વ્યક્તિ નકલી એક્સ્ચેન્જમાં પોતાનાં નાણાં રોકે એટલે તેમનું ખાતું સ્થગિત થઈ જાય છે અને અસરગ્રસ્ત વ્યક્તિ પોતાનું રોકાણ ઉપાડી શકતો નથી. અસરગ્રસ્તનાં નાણાં લઈ છેતરપિંડી કરનાર અદૃશ્ય થઈ જાય છે.
જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ ફરિયાદ કરવા જુદા જુદા પ્લેટફોર્મ પાસે જાય છે ત્યારે તેને મદદ કરવાના નામે નવા ગુનેગારો સામે આવી જાય છે.
સ્થગિત એસેટને છૂટી કરવા અસરગ્રસ્તને તેની ભરોસપાત્ર માહિતી જેવી કે આઈડી કાર્ડસ, બૅન્ક વિગતો વગેરે ઈ-મેઈલ દ્વારા મોકલવા જણાવાય છે. એક વખત આ વિગતો ચીટરોના હાથમાં આવ્યા બાદ તેઓ બીજી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer