ભાજપ સિવાય ચૂંટણી નહીં જીતાય એમ શિવસેનામાં અનેક લોકો માને છે : પાટીલ

અમે `થોભો અને રાહ જુઓ'ની નીતિ  અપનાવી છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ અપનાવેલું વલણ એ તેમના પક્ષની આંતરિક બાબત છે. એકનાથ શિંદેએ અમને અથવા અમારા તરફથી શિંદેને સરકાર રચવા અંગે કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી એમ ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે.
ચંદ્રકાંત પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ સત્તા માટે ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. આ સમજૂતી અકુદરતી અને વિરોધાભાસી વિચારધારાઓને અનુસરનારા રાજકીય પક્ષોની છે. તેથી શિવસેનાના સાંસદો અને વિધાનસભ્યોનો મોટો વર્ગ માને છે કે આગામી ચૂંટણી ભાજપના સાથ વિના જીતી શકાય એમ નથી. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે સત્તા માટે થયેલી સમજૂતી સામે શિવસેનામાં ભારે અસંતોષ અને નારાજગી છે.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે શિવસેનામાંના બનાવો અંગે અમે `થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે. રાજ્યસભા અને વિધાન પરિષદની તાજેતરની ચૂંટણીનાં પરિણામોમાં પક્ષના આગેવાન દેવેન્દ્ર ફડણવીસની કુશળ વ્યૂહરચનાને કારણે મોટી સફળતા મળી છે. ઉપરાંત મહાવિકાસ આઘાડીમાં પ્રવર્તતી નારાજગી અને અસંતોષ પણ મતદાનમાં વ્યક્ત થયા છે. વિધાનસભામાં અમારું સંખ્યાબળ 112 હોવા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં 123 અને વિધાન પરિષદની ચૂંટણીમાં 133 મત મળ્યા હતા.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer