શિંદેને વિધાનમંડળ પાંખના નેતાપદેથી હટાવાયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : શિવસેનાના ટોચના નેતા એકનાથ શિંદેએ કહેવાતું બંડ પોકાર્યું પછી આજે પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમને વિધાનમંડળ પાંખના નેતા તરીકે બરતરફ કર્યા છે તેમના સ્થાને મુંબઈના શિવડી વિધાનસભ્ય અજય ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેનો આ અંગેનો પત્ર આજે શિવસેનાના કેટલાક વિધાનસભ્યોએ વિધાનસભાના ડૅપ્યુટી સ્પીકર નરહરિ જીરવળને સોંપ્યો હતો. આ પત્ર જીરવળને સુપરત કરનારા આગેવાનોમાં ઉચ્ચ શિક્ષણપ્રધાન ઉદય સામંતનો સમાવેશ થતો હતો. શિંદે વિરુદ્ધ થયેલી આ કાર્યવાહીને પગલે હવે તેઓ શિવસેનામાં ચાલુ રહેશે કે કેમ એ વિશે પણ અટકળો શરૂ થઈ છે. વિધાનસભામાં પક્ષનો નેતા ગૃહમાં પક્ષના સભ્યો દ્વારા ક્યા વિષય રજૂ કરવા અને તે વિશે પક્ષની નીતિ નક્કી કરવા અંગેની મહત્ત્વની જવાબદારી અદા કરતો હોય છે.
ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે આ પ્રકારે વિધાનસભાના નેતાને હોદ્દા ઉપરથી હટાવી શકાય નહીં મને જેટલી માહિતી છે એ પ્રમાણે આ પ્રકારે નેતાને આ રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં. નેતાની હકાલપટ્ટી કરવા સંબંધિત પાસે બહુમતી હોવી જરૂરી છે. પૂરતા વિધાનસભ્યો વિના નેતાને હોદ્દા ઉપરથી હટાવી શકાય નહીં. પક્ષનો કોઈપણ હોદ્દેદાર મનફાવે તે રીતે કહે કે મેં પક્ષપ્રમુખની હકાલપટ્ટી કરી એમ કહે તો તે અયોગ્ય છે. આ પ્રકારનો નિર્ણય કાયદેસર કહી ન શકાય. બહુમતી વિધાનસભ્યોની મંજૂરીથી જ નેતાને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય.
મહારાષ્ટ્રમાં રાજકીય બનાવોને પગલે કૉંગ્રેસએ કમલનાથને નિરીક્ષક નીમ્યા મહારાષ્ટ્રમાં `આઘાડી' સરકારના મહત્ત્વના ઘટક પક્ષ શિવસેનામાં ભારે અસંતોષ જેવી સ્થિતિને પગલે કૉંગ્રેસના મોવડીઓએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની બનેલી સરકાર છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અગ્રણી અને મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાતે આજે સ્પષ્ટતા કરી હતી કે અમારા કોઈ વિધાનસભ્ય `નોટ રિચેબલ' નથી.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer