સાંગલી કેસ : આત્મહત્યા માટે પ્રેરિત કરનારા 13 જણની ધરપકડ

પુણે, તા. 21 (પીટીઆઇ) : સાંગલીમાં થયેલી નવ જણની સામૂહિક આત્મહત્યામાં પોલીસે 25માંથી 13 જણની ધરપકડ કરી છે, જેમની પાસેથી વનમોર ભાઇઓએ કરજ લીધુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પોતાના રૂપિયા પાછા મેળવવા માટે આરોપીઓ બંને ભાઇઓને ત્રાસ આપતા હતા અને પરિવારની હેરાનગતિ કરતા હતા. જેને પગલે બંને પરિવારોએ અંતિમ પગલુ ભર્યું હોવાની પોલીસને શંકા છે. ધરપકડ કરાયેલા કેટલાક સામે અગાઉથી મનીલોન્ડ્રિંગ કેસ હોવાનું સામે આવ્યું છે. 
પોલીસ અનુસાર રવિવારે રાતે અંબિકાનગરમાં પ્રાણીઓના ડૉ. માણેક યેલપ્પા વનમોર (49) અને શિક્ષક પોપટ વનમોર (54) એમ બે ભાઇઓના પરિવારે ઝેર પીને આત્મહત્યા કરી છે. સાંગલી પોલીસને એક ઘરમાંથી ત્રણ જ્યારે બીજા ઘરમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા. બંને ભાઇઓના ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં જેની પાસેથી કરજ લીધું હતું તેમના નામોના ઉલ્લેખ કરાયા હતા. નોટમાં બંને ભાઇઓએ લખ્યું હતું કે બંનેએ અનેક લોકો પાસેથી કરજ લીધું હતું અને તે ચૂકવવામાં તેઓ અસમર્થ હતા. પરિવારની સતત થઇ રહેલી હેરાનગતિને પગલે વનમોર ભાઇઓના પરિવારે રવિવારે અંતિમ પગલુભર્યું હોવાની વાત સાંગલીના એસપી દિક્ષિત ગેદામે જણાવી હતી.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer