આઘાડી માટે નાના પક્ષો અને 29 અપક્ષ વિધાનસભ્યોની ભૂમિકા મહત્ત્વની

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના અસ્તિત્વ ઉપર છવાયેલા અનિશ્ચિતતાનાં વાદળને પગલે નાના રાજકીય પક્ષો અને અપક્ષ 29 વિધાનસભ્યોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
મહારાષ્ટ્રમાં ગત પખવાડિયામાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં શાસક મહાવિકાસ આઘાડીના નબળા દેખાવ પછી આજે સવારથી શિવસેનાના અગ્રણી અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદે પક્ષના લગભગ 20 જેટલા વિધાનસભ્યો  `નોટ રિચેબલ' હોવાના અહેવાલ વહેતા થયા હતા. બાદમાં તેઓ સુરતની લા મેરેડિયન હૉટેલમાં હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 106 છે. વધુમાં તેને છથી સાત અપક્ષ અને નાના પક્ષોના સભ્યોનું સમર્થન છે. આમ છતાં રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને 123 અને વિધાન પરિષદની ચૂંટણીમાં 133 મત મળ્યા હતા. ભાજપને બંને ચૂંટણીમાં સત્તાધારી મહાવિકાસ આઘાડી, નાના રાજકીય પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોના મત મળ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિવિધ પક્ષોનું સંખ્યા બળ
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે તેમાં શિવસેનાના અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેનું અવસાન થયું હોવાથી એક બેઠક ખાલી પડેલી છે. રાષ્ટ્રવાદીના બે સભ્યો કૅબિનેટ પ્રધાન નવાબ મલિક અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ ભ્રષ્ટાચાર સંબંધી કેસોમાં સંડોવણીને લીધે કારાવાસમાં છે. રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન માટે છેક સુપ્રીમ કોર્ટનો આશરો લેવા છતાં તેઓને મતદાનની પરવાનગી મળી નહોતી. તેથી વિધાનસભામાં કદાચ વર્તમાન કે નવરચિત સરકાર માટે વિશ્વાસનો મત લેવાના સંજોગો ઊભા થાય તો તેઓ મતદાનમાં ભાગ લઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં શાસક મહાવિકાસ આઘાડી-શિવસેનાના 55, રાષ્ટ્રવાદીના 54 અને કૉંગ્રેસના 44 સભ્યો છે. ભાજપના 106 સભ્યો છે. બહુજનવિકાસ આઘાડીના ત્રણ, એમઆઈએમના બે, પીજેપીના બે, સમાજવાદી પાર્ટીના બે, કેએસપીનો એક, શેકાપનો એક, એસએસએસનો એક, જેએસએસનો એક, મનસેનો એક અને માર્ક્સવાદીનો એક સભ્ય છે. 13 અપક્ષ સભ્યો છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer