વીજ બિલ બાકી હોવાના નામે છેતરપિંડી : શહેરમાં 11 દિવસમાં 24 કેસ

મુંબઈ, તા. 21 : થાણેના વરિષ્ઠ મહિલા વકીલ સાથે હાલમાં જ વીજ બિલ બાકી હોવાનું જણાવી સાયબર ઠગે તેમની સાથે રૂ. અઢી લાખની છેતરપિંડી કરી છે. ફરિયાદી મુજબ તેમને એક અજ્ઞાત ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ મહાવિતરણ કંપનીના અધિકારી તરીકે આપી હતી અને મહિલા વકીલને તેમનું બિલ બાકી હોવાનું જણાવ્યું હતું અને વીજ બિલ નહીં ભરતા ઘરનો વીજપુરવઠો ખંડિત કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ અધિકારીએ ફરિયાદીને લિંક મોકલી હતી અને એપ ડાઉનલોડ કરીને પોતાનું પેમેન્ટ ભરવાનું સૂચન કર્યું હતું. ફરિયાદીએ વાતનું અનુસરણ કર્યા બાદ તેમના બૅન્ક ખાતામાંથી રૂ. બે લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા. ત્યારબાદ ફરિયાદીએ કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 
સાતમીથી 18મી જૂન સુધીમાં સાયબર ઠગો વિરુધ્ધ મુંબઈના 94 પોલીસ સ્ટેશનોમાંથી 20માં 24 કેસ નોંધાયા છે. જેમાં કોમ ફેકટર એક જ છે કે વીજ કંપનીનો અધિકારી બનીને ફરિયાદીને મેસેજ મોકલવો અને રાતે 9.30 વાગ્યે તમારી લાઇન કાપી નાખવામાં આવશે. મેસેજમાં આપેલા નંબર ઉપર ફોન કર્યા બાદ ફરિયાદીઓ સાથે છેતરપિંડી થઇ છે. તમામ કેસમાં ફરિયાદીઓને ટીમ વ્યુયર, કવીક સપોર્ટ એપ ડાઉનલોડ કરવાનું સૂચન કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 24 કેસમાં રૂ.38 લાખથી વધુની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યુ છે.  સાયબર પોલીસ અનુસાર આ દરેક છેતરપિંડી તબીબ, શિક્ષકો, વકીલો અને એન્જિનિયરો સાથે થઇ છે. તેમણે સાવધ રહેવું જોઇએ અને યાદ રહેવું જોઇએ કે કોઇપણ વીજ કંપની આ રીતે કોઇને પણ મેસેજ મોકલતી નથી અને એપ ડાઉનલોડ કરવાનું સૂચન કરતી નથી. થોડીક સાવધાની અને સતર્કતાથી તેમની સાથે આ ઘટના બની ન હોત.
આ ઍપ્સ કઇ રીતે કામ કરે છે ?
આ એપ્સની મારફત ટેકિનશિયનો તમને સહાયરૂપ બનવા તમારા કોમ્પ્યુટર કે મોબાઇલને રિમોટલી કંટ્રોલ કરે છે. આ એપમાં અનેક વિશેષતા છે. જેમ કે ટ્રાન્સફર ફાઇલ્સ, ડિવાઇસની સંપૂર્ણ માહિતી, સ્ટોપ પ્રોસેસ, પુશ ઍન્ડ પુલ વાઇફાઇ સેટિંગ્સ, ચેટની સુવિધા, ફંડની ટ્રાન્સફર વગેરે.
આ એપ્સ મુખ્યત્વે વેપારમાં કોઇપણ અડચણ આવે તો સાયબર ટેકિનશિયનો તમને સહાયરૂપ બને તે માટે તેનો ઉપયોગ કરતા હોય છે. આ એપ્સ સિકયોર રિમોટ એકસેસ આપે છે, તેથી તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ એપથી વિશ્વ સાથે સહેલાઇથી કનેકટ થઇ શકાય છે. આ એપ કલાઉડ બેઝ ટેકનૉલૉજી વડે બનાવવામાં આવી છે.
આ બધી ઍપ્સથી ચેતજો
ટીમવ્યુયર, એની ડેસ્ક હેલ્પ, કવીક સપોર્ટ આ તમામ એક રિમોટ ડેસ્કટોપ ટૂલ છે. આ સોફટવેર પ્રોગ્રામ તમારું વ્યકિતગત કોમ્પ્યુટરનું એકસેસ મોબાઇલ કે લેપટોપ ઉપર કોઇપણ વ્યકિતને આપવાની મંજૂરી આપે છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer