અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : `સરકારી સહાય સાથે કરવામાં આવતી હજયાત્રા હરામ છે' એવું નિવેદન કરીને હજ કમિટિના ચૅરમૅન એપી અબ્દુલ્લા કુટ્ટીએ વિવાદ ઊભો કર્યો છે. મુંબઈમાં હજ કરવા જતા યાત્રીઓને રવાના કરતી સમયે અબ્દુલ્લાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
તેમણે આવું નિવેદન કર્યું હોવાને સમર્થન આપતાં કહ્યું હતું કે મારો કહેવાનો એવો મતલબ હતો કે કૉંગ્રેસ સરકારે હજ માટે શરૂ કરેલી સબસિડી હલાલ નથી. મારા નિવેદનને તોડી-મરોડીને ચગાવવામાં આવી રહ્યું છે.
સરકારે હજ સબસિડી 2018માં નાબૂદ કરી હતી. મુસ્લિમ નેતા અને ધર્મગુરુઓએ એપી અબ્દુલ્લા કુટ્ટીના નિવેદનને કમનસીબ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે શું એનો મતલબ એ છે કે જેમણે સબસિડીવાળું અનાજ ખાધું એમણે હરામનું ખાધુ છે. તેમનું નિવેદન બેજવાબદાર છે. જે વ્યક્તિને ઈસ્લામ વિશે કોઈ સમજ નથી એવી વ્યક્તિને ભાજપે હજ કમિટીના ચૅરમૅન બનાવી દીધા એ એક આઘાતજનક બાબત છે.
મહારાષ્ટ્રના લઘુમતિ પંચના માજી ચૅરમૅન નસીમ સિદ્દીકીએ કહ્યું હતું કે સરકાર હિન્દુ જાત્રાળુઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે. પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા તેમણે આવું નિવેદન કર્યું છે.
Published on: Wed, 22 Jun 2022