મુંબઈ, તા. 21 : 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉરલીકંચન નેચરોપથી આશ્રમ (પુણે) દ્વારા 3 મહિનામાં 10થી 83 વર્ષની ઉંમરના 15,000 લોકોને યોગાસનની ટ્રેનિંગ અને યોગ વિષયક માહિતી અપાઈ હતી. ઉરલીકંચન નેચરોપથી આશ્રમની સ્થાપનાં 75 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી દ્વારા કરાઈ હતી.
યોગને માત્ર આસન તરીકે જ નહીં, યોગને આધ્યાત્મિક અને શારીરિક તંદુરસ્તી તેમ જ મેડિટેશન તરીકે ગણાય છે અને આશ્રમના ઘણા કાર્યકર્તા આ રીતે જીવન જીવે છે અને આજે પણ ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરે છે. આશ્રમના ડિરેક્ટર ડૉ. અભિષેક દેવીકરે જણાવ્યું હતું કે ત્રણ મહિના અગાઉ શરૂ થયેલા ટ્રેનિંગ પ્રોગ્રામની આજે પૂર્ણાહુતિ હતી. આશ્રમ, શાળાઓ વિ.માં આ ટ્રેનિંગ આશ્રમના યોગ નિષ્ણાતોએ સતત ત્રણ મહિના આપી હતી.
આ નિમિત્તે આજે પુણેસ્થિત `નેચરલ ઇન્સ્ટિટ્યૂટ અૉફ નેચરોપથી' સાથે સંયુક્ત રૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 800 લોકોએ એકસાથે યોગાસનો કર્યા હતા.
આગામી દિવસોમાં પ્રાકૃતિક ચિકિત્સા પર વડા પ્રધાન સાથે મૈસુરમાં ચર્ચા થવાની છે એમાં ઉરલીકંચન નેચરોપથી આશ્રમનું પ્રતિનિધિ આશ્રમના જ ડૉ. કુણાલ શાહના વડપણ હેઠળની ટીમ કરશે.
Published on: Wed, 22 Jun 2022