પુત્રને મળવા પહેલાં વૅક્સિનેશન સર્ટિફિકેટ રજૂ કરવાનો પિતાને કોર્ટનો આદેશ

મુંબઈ, તા. 21 : કોરોના સંક્રમણનું જોખમ હજી પૂર્ણપણે ટળ્યું નથી અને તકેદારી રાખવી જરૂરી છે. તાજેતરમાં છૂટાછેડાના એક કેસમાં, દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં કોરોના સંક્રમણ નવા વિવાદનું કારણ બન્યું છે.
ઝરીના શેખ અને અબ્દુલ અન્સારી (બંને નામ બદલ્યા છે)નો છૂટાછેડાનો ખટલો બાન્દ્રા ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. ઝરીના પોતાના પુત્ર સાથે પિયરમાં રહે છે. મહિનામાં બે વાર પુત્રને મળવા માટે અબ્દુલ અન્સારીએ અદાલત પાસેથી પરવાનગી મેળવી છે, પરંતુ પોતાનો પાંચ વર્ષનો પુત્ર વારંવાર માંદો પડે છે અને પતિ મહિનામાં બે વાર એને મળવા આવતા હોવાથી અને સાથે એકાદ-બે જણને લઈને આવતા હોવાથી વર્તમાન કોરોના સંકટકાળમાં પુત્રને અને પોતાના ઘરના લોકોને પણ સંક્રમણનું જોખમ વધી શકે છે, એવું ઝરીનાએ અદાલતનમાં ધ્યાનમાં લાવતાં, મઝગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પુત્રને મળવું હોય તો પહેલાં વૅક્સિનેશનનું સર્ટિફિકેટ દેખાડવું પડશે, એવો આદેશ પિતાને આપ્યો છે.
ઝરીનાએ અદાલતને જણાવ્યું હતું કે, અબ્દુલે છેલ્લા ચાર વર્ષમાં ક્યારેય પુત્રને મળવાનો પ્રયત્ન ર્ક્યો નહોતો અને આ વર્ષે અદાલતમાં અરજી કરીને પરવાનગી મેળવી છે. પરંતુ પુત્રનું સ્વાસ્થ્ય સારું નહીં હોવા છતાં એની મરજી વિરુદ્ધ અબ્દુલ એને ઘરની બહાર લઈ જાય છે અને નાની નાની બાબતો પરથી ઝઘડો કરે છે. ઉપરાંત પુત્રની શાળાની ફી પણ એણે ભરી નથી. પોતે પોતાના માતાપિતા પાસેથી રૂા. 22500 લઈને ફી ભરી હોવાનું ઝરીનાએ અદાલતને જણાવ્યું હતું.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer