ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હવે બેસ્ટ કન્સેશન

મુંબઈ, તા. 21 : સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત હવે ખાનગી શાળાઓ અને જુનિયર કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ હવે `બેસ્ટ'ની બસોમાં કન્સેશન મળશે. અત્યાર સુધી ફક્ત સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને જ ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી જવા માટે `બેસ્ટ'ની બસમાં સુવિધા મળતી હતી. હવે આ સુવિધા મુંબઈની તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મળશે. 
`બેસ્ટ'ના નિયમ મુજબ પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ રૂા. 200, છઠ્ઠાથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ રૂા. 250 અને અગિયારમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ 350 રૂપિયાનો પાસ લઈને પ્રવાસ કરી શકે છે. આ પાસ અૉનલાઈન અથવા અૉફલાઈન રીતે ખરીદ કરી શકાય છે. જોકે, `બેસ્ટ' પ્રશાસને વિદ્યાર્થીઓને પાસ લેવા માટે બસ ડેપો જવાને બદલે અૉનલાઈન અરજી કરવાની અપીલ કરી છે. 
`બેસ્ટ'ના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના સંક્રમણને કારણે બસમાલિકોએ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે અને બસસેવા ફરી શરૂ કરવા માટે મેન્ટેનેન્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ થવાને કારણે સ્કૂલ બસ એસોસિયેશને બસભાડામાં 20થી 25 ટકા વધારાની જાહેરાત કરી હતી. 
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer