શિંદેનો બળવો શિવસેનાની આંતરિક બાબત : પવાર

શિંદેનો બળવો શિવસેનાની આંતરિક બાબત : પવાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદે અમુક વિધાનસભ્યોને ભાજપની સત્તા હેઠળના ગુજરાતમાં લઈ ગયા બાદ એનસીપીના સુપ્રીમો શરદ પવારે જણાવ્યું હતું કે આ શિવસેનાની આંતરિક બાબત છે, તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રમાં શિંદેની બળવાખોરી બાદ દિલ્હીમાં પવારે પત્રકાર પરિષદમાં આ વાતચીત કરી હતી.
`િશવસેનાનો આ અંદરનો મામલો છે અને મહાવિકાસ આઘાડી સરકારની આ રાજકીય કટોકટીનો ઉકેલ ઉદ્ધવ ઠાકરે જરૂર લાવશે' એમ પવારે જણાવ્યું હતું.
એનસીપી ભાજપ સાથે જોડાણ કરશે એમ પૂછતાં પવારે કહ્યું હતું કે `અમુક સમજવા લાયક પૂછો, અમે પણ વિપક્ષમાં બેસી શકીએ છીએ.'
મંગળવારે પત્રકાર પરિષદમાં પવારે કહ્યું હતું કે સરકાર પાડવાનો આ ત્રીજો પ્રયાસ છે અને કદાચ તે પણ સફળ નહીં થાય. હાલની પરિસ્થિતિ જોતા અમે તેનો ઉકેલ લાવી શકીશું.
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનવા માગે તો તેમને બનાવવામાં આવશે એમ પૂછતાં પવારે કહ્યું હતું કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે સમજૂતી છે. મુખ્ય પ્રધાનની જવાબદારી શિવસેના પર છે અને તે શિવસેના નક્કી કરશે. એનસીપી ફક્ત નાયબ મુખ્ય પ્રધાનપદ ધરાવે છે. હાલમાં નેતાગીરી બદલવાની કોઈ જરૂર નથી. અમને ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી પર વિશ્વાસ છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer