યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર

યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર
અમારા પ્રતિનિધિ તરફથી
નવીદિલ્હી, તા.21: રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની લડતમાં વિપક્ષી દળો દ્વારા આખરે આજે પોતાના ઉમેદવારનો ફેંસલો કરી લેવામાં આવ્યો હતો. આજે મળેલી વિપક્ષી દળોની બેઠકમાં સર્વસંમતિથી યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. યશવંત સિંહાની ઉમેદવારીને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત કુલ 13 પક્ષનું સમર્થન મળ્યું છે. યશવંત સિંહા 27મીએ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે. 
આજ પહેલા મળેલી વિપક્ષની બેઠકમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા એનસીપીના વડા શરદ પવારનાં નામનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલો. જો કે પવારે દાવેદારી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ પણ ચર્ચાયું હતું. જો કે તેમણે પણ ઉમેદવારી સ્વીકારવાની ના પાડી દીધી. આખરે આજે યશવંત સિંહાએ આ બીડું ઝડપી લીધું હતું. 
યશવંત સિંહાનાં નામની ઘોષણા કરતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, યશવંત સિંહાનાં અભિયાનને આગળ ધપાવવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમે એવા ઉમેદવાર ઈચ્છતા હતા જે લોકતંત્રની રક્ષા કરે. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સર્વાનુમતિ સાધવાના કોઈ જ ગંભીર પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવ્યા નથી. 
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer