યોગ તન-દુરસ્તી અને મન-દુરસ્તીનો મહામાર્ગ : મોદી

યોગ તન-દુરસ્તી અને મન-દુરસ્તીનો મહામાર્ગ : મોદી
વિશ્વભરમાં યોગદિનની ઉજવણી : મૈસુરમાં વડા પ્રધાને કર્યો યોગ
નવી દિલ્હી, તા. 21 : ભારત સહિત વિશ્વભરમાં આજે આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં લગભગ 1પ હજાર જણ સાથે યોગ કર્યો હતો અને જણાવ્યું હતું કે, યોગ હવે વૈશ્વિક પર્વ બની ગયો છે. તે જીવનનો હિસ્સો નહીં, પણ જીવનનો એક માર્ગ બની ગયો છે. આજે દેશભરમાં ઐતિહાસિક સ્થળોએ પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, અધિકારીઓ અને લોકો જોડાયા હતા. આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં 17000 ફૂટની ઊંચાઈએ હિમાચ્છાદિત સ્થળે યોગ નિદર્શન કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે, આજે યોગ લોકોને નિરોગી જીવનનો વિશ્વાસ આપે છે. થોડા વર્ષ પહેલાં અમુક આધ્યાત્મિક સ્થળોએથી જ યોગના કાર્યક્રમોની તસવીરો આવતી હતી. આજે દુનિયાના ખૂણેખૂણેથી આવી તસવીરો જોવા મળી રહી છે. યોગ કોઈ વ્યક્તિ માત્ર માટે નહીં, પણ સમગ્ર માનવતા માટે છે. આથી જ આ વખતની થીમ માનવતા માટે યોગની છે. આજે દેશમાં 75 ઐતિહાસિક સ્થળે એક સાથે યોગ કરવામાં આવ્યો છે. 
આપણા ઋષિઓ કહેતા કે યોગ આપણા દેશ અને વિશ્વ માટે શાંતિ લાવે છે અને સમગ્ર વિશ્વ આપણા શરીરમાં છે. વારાણસીમાં 85 ગંગાઘાટ પર યોગના કાર્યક્રમો યોજાયા હતા.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer