રાજ્યપાલ વિશ્વાસનો મત મેળવવાનું કહી શકે

રાજ્યપાલ વિશ્વાસનો મત મેળવવાનું કહી શકે
આજે મળનારી કૅબિનેટ બેઠક ઉપર નજર
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના મહત્ત્વના ઘટક પક્ષ શિવસેનાના મહત્ત્વના નેતા એકનાથ શિંદેએ ફૂંકેલા બગાવતના બૂંગીયાને કારણે અઢી વર્ષ જૂની ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે. શિંદે સાથે સુરતની લા મેરેડિયન હૉટેલમાં 25 જેટલા વિધાનસભ્યો હોવાનું કહેવાય છે. આમ છતાં શિંદે અથવા શિવસેના તરફથી કેટલા વિધાનસભ્યો `નોટ રિચેબલ' છે તેનો ચોક્કસ આંકડો જણાવવામાં આવ્યો નથી. આવતી કાલે બપોરે કૅબિનેટની બેઠક મળવાની છે. તેમાં શિંદે હાજર નહીં હોય એ સ્પષ્ટ છે. શિંદેને વિધાનમંડળ પાંખના નેતાપદેથી દૂર કરાયા પછી આજે પ્રધાનમંડળમાંથી પડતા મુકાશે? તે જોવાનું છે.
શિવસેનાને આગામી એકાદ બે દિવસમાં એકનાથ શિંદે સહિતના બળવાખોર વિધાનસભ્યોને મનાવી લેવામાં સફળતા નહીં મળે તો રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપી શકે છે. તે સમયે શિવસેના અને ખાસ કરીને મહાવિકાસ આઘાડી સરકાર વિધાનસભામાં બહુમતી ધરાવે છે કે કેમ? તેના પારખા થઈ જશે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer