દ્રૌપદી મુર્મુ બનશે રાષ્ટ્રપતિ : ભાજપ

દ્રૌપદી મુર્મુ બનશે રાષ્ટ્રપતિ : ભાજપ
નવી દિલ્હી, તા. 21 : કેન્દ્રમાં શાસક પક્ષ ભાજપ અને એનડીએ દ્વારા ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપમાં આ અગાઉ જે નામોની ચર્ચા હતી તેમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના નામ મોખરે હતા. ભાજપના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પહેલીવાર આદિવાસી મહિલાની પસંદગી કરવામાં આવી છે, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ભાજપની મંગળવારે યોજાયેલી કોર કમિટી બેઠકમાં તેમના સૂચન કરાયેલાં દસ નામો બાબતે મનોમંથન અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રવિવારે યોજાયેલી ભાજપની બેઠકમાં તેમનું નામ લગભગ ફાઇનલ કરાયું હતું. ત્યાર બાદ રાતે નવ વાગ્યે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ભાજપે દ્રોપદી મુર્મુની પસંદગી કરી છે. 
ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં આદિવાસી સમાજ ઉપર ભાજપનું ધ્યાન કેન્દ્રિત છે. પક્ષ મુજબ આદિવાસી મત તેમની યોજનાઓની પુંજી છે. અત્યાર સુધી દેશમાં કોઇ આદિવાસી રાષ્ટ્રપતિ થયા નથી. એવામાં મુર્મુ આદિવાસી અને મહિલા બંને વર્ગના યોગ્ય પ્રતિનિધિ છે. ભાજપ સમાજને સશકત બનાવવા માગે છે અને સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ પણ મળી શકે છે. 
20મી જૂન, 1958ના દિવસે ઓરિસાના આદિવાસી જિલ્લા મયૂરભુંજના રાયરંગપુર ગામમાં જન્મેલાં આદિવાસી સમાજના દ્રોપદી મુર્મુ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ રહી ચૂકયાં છે. ભાજપ વતી પહેલા આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ હશે. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂક્યાં છે. 18મી મે 2015થી 12મી જુલાઇ 2021 દરમિયાન તેઓ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. તેમના સચોટ નિર્ણયોને કારણે તેઓ જાણીતા છે. મુર્મુ વર્ષ 2000થી 2004 સુધી ઓરિસા વિધાનસભાના રાયરંગપુરથી વિધાનસભ્ય હતાં. તેઓ બેવાર રાજ્ય કક્ષાના પ્રધાન પણ રહી ચૂકયાં છે. રાયરંગપુરથી તેઓ બે વખત ભાજપના વિધાનસભ્ય રહી ચૂકયાં છે.   
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer