એકનાથ શિંદેના બળવાથી ઉદ્ધવ સરકાર અલ્પ મતમાં

એકનાથ શિંદેના બળવાથી ઉદ્ધવ સરકાર અલ્પ મતમાં
આઘાડી સરકાર પર મધરાતે સર્જિકલ સ્ટ્રાઈક
એપી સેન્ટર સુરતથી ગુવાહાટી?
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 :  રાજ્યસભા અને ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વખતે બહાર આવેલી મહારાષ્ટ્રના શાસક પક્ષ શિવસેનાના આંતરિક અસંતોષની આગે હવે ભડકાનું રૂપ લઈ લીધું છે. જેને પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચાલી રહેલી મહાઅઘાડી સરકાર ઉપર સંકટનાં વાદળ ઘેરાઈ ગયાં છે. મહારાષ્ટ્રમાં તેજ ગતિએ પલટાયેલા રાજકીય ઘટનાક્રમમાં એક સમયે ઉદ્ધવના વિશ્વાસુ અને પક્ષના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ પાંચ પ્રધાન સહિત 22 ધારાસભ્ય સાથે મળીને બળવાનું બ્યૂગલ ફૂંકતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  મોડી રાત્રે મળતાં સમાચારો પ્રમાણે શિંદે સાથે મહારાષ્ટ્રના બળવાખોર વિધાનસભ્યોને આસામની રાજધાની ગુવાહાટી ખસેડવાની તૈયારીને આખરી ઓપ અપાયો હતો.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને તેનું એપી સેન્ટર સુરત બન્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં સામેલ 21 થી વધુ વિધાનસભ્યોએ શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં સુરતની હોટલમાં ધામા નાખ્યા છે. નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે મહારાષ્ટ્રથી બે નેતાઓ સુરત આવી પહોંચ્યા છે. પાર્ટી સામે એકનાથ શિંદેએ કેટલીક શરતો રાખી હોવાનું બહાર આવ્યું છે. શિંદે સાથે 35થી વધુ વિધાનસભ્યો હોવાનું કહેવાય રહ્યું છે.
સુરતની હોટેલમાં 21થી વધુ વિધાનસભ્યોના ધામા છે. તેઓના ફોન લઈ લેવાયા હોવાનું કહેવાય છે. તમામ નેતાઓને સંપર્ક વિહોણા કરી દેવાયા છે. હોટેલની ચોતરફ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. હોટેલમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના પ્રવેશ પહેલા કડક પુછપરછ કરવામાં આવે છે. સુરત આવેલા શિવસેનાના વિધાનસભ્ય નીતિન દેશમુખની પત્નીની પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ 20મી સાંજથી લાપતા હોવાનું જણાવ્યું છે. આ તરફ મુંબઈથી સુરત આવેલા ધારાસભ્ય નીતિન દેશમુખની તબીયત લડથતાં તેને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એવું કહેવાય છે કે ભાજપ મહારાષ્ટ્રની અઘાડી સરકારના બળવાખોર વિધાનસભ્યોના સંપર્કમાં છે. 
ભાજપ સાવધ : વિધાનસભ્યોને અન્યત્ર લઈ જશે
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના મહત્ત્વના ઘટક પક્ષ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કરેલા બળવાને પગલે ભાજપના નેતાઓ પણ સાવચેત થઈ ગયા છે. ભાજપના મહારાષ્ટ્ર એકમે તેના વિધાનસભ્યોને ગુજરાતમાં અજ્ઞાત સ્થળે લઈ જવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતાઓને શંકા છે કે મહાવિકાસ આઘાડીમાં અસંતોષને પગલે તેના નેતાઓ ભાજપના વિધાનસભ્યોને ફોડવાનો પ્રયત્ન કરી શકે છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer