મમ્મી બનેલી મહિલાઓમાં રહેલી નૃત્યની આવડતને દર્શાવવા માટે પ્લેટફૉર્મ પૂરું પાડવા માટે ઝી ટીવી પર ડાન્સ ઈન્ડિયા ડાન્સ (ડીઆઈડી) સુપર મૉમ્સની ત્રીજી સિઝન બીજી જુલાઈથી દર શનિ અને રવિવારે રાતના નવ વાગ્યે પ્રસારિત થશે. આ રિયાલિટી શૉમાં જજ તરીકે રેમો ડી'સોઝા સાથે ઉર્મિલા માતોંડકર અને ભાગ્યશ્રી દાસાની છે. આ શૉના ઓડિશન રાઉન્ડમાં રેમો પોતાની આસિસ્ટન્ટ દીપિકાને છ વર્ષ બાદ દીકરી સાથે ઓડિશન આપવા આવેલી જોઈને ચકિત થઈ ગયો હતો. દીપકા અત્યંત પ્રતિભાશાળી હતી, પરંતુ તેણે અચાનક કામ કરવાનું બંધ કર્યું હતું અને તે બધાથી દૂર થઈ ગઈ હતી. ડીઆઈડી સુપર મૉમ્સના પ્લેટફૉર્મ પર તેના જુસ્સાને જોઈને રેમોએ વચન આપ્યું હતું કે, તે દીપિકાના સપનાં પૂરાં કરવામાં મદદ કરશે.
રેમોએ કહ્યું હતું કે, તારી પ્રતિભા હું જાણું છું. આપણે ભૂતકાળમાં સાથે કામ કર્યું છે. તું ડાન્સ પાછળ પાગલ હતા. છ વર્ષ પહેલાં તું અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. આજે તે ફરી એ જ ઊર્જાથી પરફૉર્મ કર્યું છે. હું તને વચન આપું છું કે, અમે તારી કારકિર્દી ફરી શરૂ કરવામાં મદદ કરીશું.
દીપિકાએ જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલાં હું પતિ સાથે પોર્ટુગલ ગઈ હતી. આથી મારે આ ઉદ્યોગ છોડવો પડયો હતો, પરંતુ ડાન્સ માટેનો જુસ્સો છોડયો નહોતો. ડીઆઈડી સુપર મૉમ્સની જાહેરતા જઈને મને લાગ્યું કે મારે પ્રયત્ન કરવો જોઈએ. જોકે, હું નહોતી ઈચ્છતી કે મારા નિર્ણયની અસર મારી દીકરીના ઉછેર પર થાય. જોકે, પતિએ મને સહકાર આપ્યો છે અને ડાન્સના જુસ્સાને અનુસરવા પ્રોત્સાહન પણ આપ્યું છે.
Published on: Thu, 23 Jun 2022
રેમો ડીસોઝા ભૂતપૂર્વ આસિસ્ટન્ટને છ વર્ષ બાદ સ્પર્ધક તરીકે મળ્યો
