એપરલ અને કાપડના વેચાણમાં 24 ટકાની વૃદ્ધિ થઈ
નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ): દેશમાં મે મહિના દરમિયાન રિટેલ બિઝનેસ 2019ના મે માસ (કોવિડ મહામારી પહેલા)ના સ્તર કરતાં 24 ટકા વધારે થયો હોવાનું રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (આરએઆઈ-રાઈ)એ જણાવ્યું છે.
`રાઈ' દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ પશ્ચિમ ભારતમાં વેચાણ 30 ટકા વધ્યું હતું જે મે 2019માં (કોવિડ પૂર્વે) 29 ટકા વધ્યું હતું.
તેવી જ રીતે દક્ષિણ ભારતમાં રિટેલ વેપારમાં 22 ટકાનો અને ઉત્તર ભારતમાં 16 ટકાનો વધારો મે 2022માં નોંધાયો હોવાનું આ ઍસોસિયેશને જણાવ્યું છે.
`રાઈ'ના સીઈઓ કુમાર રાજગોપાલને આ સંદર્ભે કહ્યું કે એપ્રિલ 2022માં 23 ટકાનો વધારો અને મે માસમાં 24 ટકાનો વધારો કોવિડ પૂર્વેના સ્તરની તુલનાએ જોવામાં આવતાં આ બાબત ઘણી પ્રોત્સાહક છે.
અૉફિસો શરૂ થવાથી અને લગનસરાની મોસમના કારણે ગાર્મેન્ટ્સ અને પગરખાંની માર્કેટમાં સુધારો શરૂ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
જોકે, ફુગાવામાં સતત વધારો ચિંતાનો વિષય છે છતાં નાગરિકો ઘરની બહાર નીકળી ખરીદી કરી રહ્યા છે, એમ રાજાગોપાલને જણાવ્યું હતું.
કન્ઝયુમર ડયુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં 15 ટકાનો વધારો જ્યારે એપરલ અને કાપડના વેચાણમાં 24 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું `રાઈ'ના સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
Published on: Thu, 23 Jun 2022
મેમાં રિટેલ વેચાણ કોવિડ પૂર્વેના સ્તર સામે 24 ટકા વધ્યું
