પહેલાથી બારમી સુધીના વિદ્યાર્થીઓને મળશે અકસ્માત અનુદાન

મુંબઈ, તા. 22 : શાળા શિક્ષણ વિભાગે પહેલાથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને દુર્ઘટના અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. અકસ્માતને લીધે જીવ ગુમાવનારા વિદ્યાર્થીના પરિવારને દોઢ લાખ રૂપિયાનું અનુદાન મળશે. વધતી મોંઘવારી અને અકસ્માતને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે રાજીવ ગાંધી વિદ્યાર્થી અકસ્માત સાનુગ્રહ અનુદાન સુધારિત યોજનાને મંજૂરી આપી છે. 
આ યોજના મુજબ, અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીના પરિવારને રૂપિયા દોઢ લાખનું અનુદાન આપવામાં આવશે. અકસ્માતમાં અંગ ગુમાવનારા વિદ્યાર્થીને એક લાખ રૂપિયા અથવા 75,000 રૂપિયાનું અનુદાન મળશે. અકસ્માતને લીધે શસ્રક્રિયાની જરૂર પડે તો વિદ્યાર્થીને હૉસ્પિટલમાં સારવાર કરવા માટે રૂપિયા એક લાખની મદદ કરવામાં આવશે. વિદ્યાર્થી બિમાર થાય, એને સાપ કરડે અથવા ડૂબીને મરી જાય તો પણ રૂપિયા દોઢ લાખનું અનુદાન મળશે. રમતી વખતે, શાળામાં વજનદાર વસ્તુ પડવાથી, આગ લાગવાને કારણે ઈજાગ્રસ્ત થાય તો સારવાર માટે હૉસ્પિટલ ખર્ચ તરીકે મહત્તમ એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આત્મહત્યા, જાણીજોઈને પોતાને ઈજા પહોંચાડવી અથવા નશો કરવાને કારણે અકસ્માતનો ભોગ બનનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ નહીં મળશે.  વિદ્યાર્થીનું મૃત્યુ થાય તો અનુદાનની રકમ એની માતાને, માતા નહીં હોય તો પિતાને અને માતા-પિતા બંને હયાત નહીં હોય તો 18 વર્ષથી વધુ વયના ભાઈ, અપરિણિત બહેનને આપવામાં આવશે. 
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer