અન્ય બોર્ડના ઍડમિશન અંગે કૉલેજો મૂંઝવણમાં
મુંબઈ, તા. 22 : ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ (ઍડમિશન) પર મુંબઈ યુનિવર્સિટીએ સર્ક્યુલર બહાર પાડયાના એક દિવસ બાદ કેટલીક સ્વાયત કૉલેજોએ હજી તેમની ઍડમિશન પ્રક્રિયા અંગે નિર્ણય લેવાનો બાકી છે. શહેરની કેટલીક કૉલેજોના પ્રિન્સિપલોએ જણાવ્યું હતું કે, આ સરક્યુલર વિવેકહીન અને ભેદભાવ ભર્યો છે.
મંગળવારે મહારાષ્ટ્ર ઍસોસિયેશન અૉફ માયનોરિટી એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂશન્સે આ પરિપત્ર પાછો ખેંચવા યુનિવર્સિટીને પત્ર પાઠવ્યો હતો.
`અન્ય બોર્ડમાં સારા માર્કસ મેળવનારા શૈક્ષણિક રીતે હોંશિયાર વિદ્યાર્થીઓ તેમની પસંદગીથી કૉલેજોમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જશે' એમ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું અને ઉમેરવામાં આવ્યું હતું કે, બધા પરિણામો જાહેર થાય તે પહેલાં ઍડમિશનની પ્રક્રિયા પૂરી કરી લેવાની બિનજરૂરી ઉતાવળ કરવી ન જોઈએ.
અન્ય બોર્ડોના વિદ્યાર્થીઓ પણ માયનોરિટી ઍડમિશનો માટે યુનિવર્સિટીએ 25 જૂનની જે સમયમર્યાદા રાખી છે. તેનાથી ચિંતિત છે, કારણ કે તેનાથી તેઓ બધા જ વિકલ્પો માટેની તક ગુમાવશે.
Published on: Thu, 23 Jun 2022