સરકાર નહીં, હવે ઉદ્ધવ સામે શિવસેના બચાવવાનો પડકાર

સરકાર નહીં, હવે ઉદ્ધવ સામે શિવસેના બચાવવાનો પડકાર
શિંદેએ 46 વિધાનસભ્યોના દાવા સાથે ચીફ વ્હિપની નિયુક્તિ કરી
મુંબઈ,તા.22: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે બંડ પોકારનાર એકનાથ શિંદેએ પોતાની પાસે શિવસેનાનાં જ 37 સહિત કુલ 46 વિધાયકોનું સમર્થન હોવાનો દાવો કરીને માત્ર મહાવિકાસ અઘાડી સરકાર જ નહીં પણ શિવસેના પક્ષ ઉપર પણ જોખમ ઉભું કરી દીધું છે. શિંદેએ સરકાર ગબડાવવાનાં ઈરાદા ઉપરાંત પક્ષ ઉપર પણ પોતાનો દાવો કરી નાખ્યો હતો. આમ અત્યાર સુધી સરકાર બચાવવાની મથામણ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેને હવે પક્ષ બચાવવાની નોબત આવી પડી છે. 
શિવસેના દ્વારા આજે પક્ષનાં વિધાયકોની સાંજે 5 વાગ્યે બેઠક માટે વ્હિપ જારી કરવામાં આવ્યો હતો. આ વ્હિપ અને તેની કાયદેસરતા સામે સવાલ ઉઠાવતા શિંદેએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, શિવસેનાનાં વિધાયક ભરત ગોગાવલેને શિવસેના વિધાનમંડળનાં મુખ્ય પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે. આનું કારણ એ છે કે, સુનીલ પ્રભુ દ્વારા વિધાયકોની બેઠક માટે આજે જારી કરવામાં આવેલો આદેશ કાનૂનીરૂપે અમાન્ય છે. આનો સીધો અર્થ એવો થાય છે કે, શિંદેએ પોતાનાં પક્ષને અસલી શિવસેના ગણાવી દીધો છે અને ચીફ વ્હિપની જવાબદારી ગોગાવાલેને સોંપી દેવામાં આવી છે. શિંદે પાસે અત્યારે વધુ વિધાયકો હોવાનાં કારણે તેમનાં દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વ્હિપને જ માન્ય ગણી શકાય. 
શિંદેનાં આ દાવ સામે ઉદ્ધવ ઠાકરેનાં પક્ષ શિવસેના સામે અસ્તિત્વનો સવાલ ઉભો થઈ ગયો છે. એકનાથ શિંદે હવે પક્ષમાં આરપારની લડાઈ છેડીને બે ઉભા ફાડિયા કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યાં છે. જો શિંદે એક તૃત્યાંશ ધારાસભ્યોને તોડવામાં સફળ થઈ જાય તો તેઓ પોતે જ શિવસેનાનાં નેતા હોવાનો દાવો પણ ઠોકી શકે છે. 
જો શિવસેનામાં ભંગાણ પડે તો આ અત્યાર સુધીનું પક્ષનું સૌથી મોટું ભંગાણ બની જવાનું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ત્રણ વખત શિવસેનામાં ફૂટ પડી ચૂકી છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer