અનુગામી શિવસૈનિક હોય તો રાજીનામું આપવા તૈયાર : મુખ્ય પ્રધાન

અનુગામી શિવસૈનિક હોય તો રાજીનામું આપવા તૈયાર : મુખ્ય પ્રધાન
ઉદ્ધવ ઠાકરેએ વર્ષા બંગલો છોડયો, સરકાર નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે મને બેસી રહેવાનો કોઈ મોહ નથી. મેં મારું રાજીનામું તૈયાર રાખ્યું છે. આમ છતાં મારા અનુગામી તરીકે શિવસૈનિક આવવો જોઈને, એમ આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
શિવસેનાના મહત્ત્વના નેતા એકનાથ શિંદેએ કરેલા બળવાને પગલે ઉદ્ધવ ઠાકરેએ જે ફેસબુક લાઇવ ઉપર 17 મિનિટ લાંબા સંબોધનમાં જણાવ્યું હતું કે મને મુખ્ય પ્રધાન અથવા પક્ષ પ્રમુખપદનો મને મોહ નથી. જેઓ મારું રાજીનામું માગે તેઓ મારી સામે આવીને મને કહે? હું રાજીનામું આપવા તૈયાર છું.
જરૂર પડયે વિશ્વાસનનો મત મેળવાશે : રાઉત
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સત્તાવાર નિવાસસ્થાન- `વર્ષા' બંગલો છોડીને તેમના ખાનગી નિવાસ સ્થાન- `માતોશ્રી'માં પાછા ફર્યા છે. શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતએ આજે રાત્રે `વર્ષા' બંગલા ખાતે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકેનું સત્તાવાર નિવાસ સ્થાન છોડયું છે, પરંતુ તેઓ હાલ રાજીનામું નહીં આપે. જો જરૂર ઊભી થશે તો તેઓ વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવશે. શિવસેનાના વિધાનસભ્યોની બેઠક આજે સાંજે `વર્ષા' બંગલા ખાતે મળી હતી. બાદમાં મોડી સાંજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર પણ આજે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તે બેઠક અંગે સંજય રાઉતે પત્રકારોને માહિતી આપવાનું ટાળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ આજે `માતોશ્રી'માં જવા રવાના થયા ત્યારે તેમને વિદાય આપવા `વર્ષા' બંગલાની બહાર શિવસેનાના નેતા અને કાર્યકરોના ટોળા એકઠાં થયા હતા.
શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા  પવાર અને ઠાકરેની ચર્ચા
મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ખતમ કરવા માટેના પ્રયત્નો વેગવાન બન્યા છે. રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યની `મહાવિકાસ આઘાડી' સરકાર ઉપર આવી પડેલા સંકટને દૂર કરવા માટે બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા સહિતના વિવિધ પગલાં વિશે ચર્ચા થઈ હતી,એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આઘાડીમાં શિવસેનાને નુકસાન : એકનાથ શિંદેનો જવાબ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા કરવાની તેમ જ નેતા અને વિધાનસભ્યો સામે આવીને રાજીનામું માગે તો પોતે હોદ્દા છોડવા તૈયાર છે. એવી અૉફર બળવાખોર નેતા એકનાથ શિંદેએ ઠુકરાવી છે અને જણાવ્યું છે કે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેની અકુદરતી યુતિમાંથી પક્ષમાંથી છોડી દેવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુક લાઇન દ્વારા સંબોધન કરતાં બળવાખોર વિધાનસભ્યો રૂબરૂ આવીને રાજીનામું માંગે તો પોતે મુખ્ય પ્રધાનપદેથી હોદ્દો છોડવા તૈયાર છે, એમ કહ્યું હતું. તે અંગે અગાઉ શિંદેએ ગુવાહાટીથી પત્રકાર પરિષદ આપવાની જાહેરાત કરી હતી, પણ બાદમાં તેમણે ટ્વીટર દ્વારા પોતાની વાત રજૂ કરી છે. શિંદેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં નવેમ્બર, 2019માં મહાવિકાસ આઘાડી સરકાર સત્તા ઉપર આવી પછી તેનો ફાયદો માત્ર કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસને જ થયો છે. જ્યારે શિવસૈનિકોને તેમાં ભરડાવવું પડયું છે. `આઘાડી'માં શિવસેનાના સહુથી વધારે  વિધાનસભ્યો છે. આમ છતાં શિવસેનાના સંગઠન અને શિવસૈનિકોની પાંખો સાથી પક્ષો દ્વારા કાપવામાં આવી રહી છે.
શિંદેએ વધુમાં જણાવ્યું છે કે, શિવસેના અને શિવસૈનિકોને રાજકીય રીતે ટકાવી રાખવા માટે વિરોધાભાષી વિચારસરણી ધરાવતા કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેની `આઘાડી'માંથી બહાર નીકળી જવું જોઈએ. મહારાષ્ટ્રના વ્યાપક હિતમાં શિવસેનાએ મહાવિકાસ આઘાડી સરકારમાંથી હમણાં જ બહાર નીકળી જવું જોઈએ. એમ શિંદેએ ઉમેર્યું હતું.
એકનાથ શિંદે પાસે મહારાષ્ટ્રની `આઘાડી' સરકારના પ્રધાન ગુલાબરાવ પાટીલ અને વિધાનસભ્ય યોગેશ કદમ પણ પહોંચ્યા છે. શિંદે ગુવાહાટીની `રેડિસન બ્લ્યુ' હૉટેલમાં રોકાયા છે.
શિંદેએ તેમની સાથે શિવસેના 37 વિધાનસભ્યો હોવાનો દાવો કર્યો છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer