નકારાત્મક પરિબળોથી શૅરબજાર ઘટ્યાં

નિફ્ટી 10,200ની ઉપર બંધ થવામાં સફળ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : શૅરબજારમાં આજે નિયમિત સત્રના આખરી દિવસે શરૂઆતથી જ થોડો નર્વસ માહોલ હતો. છેલ્લા બે દિવસથી ટ્રેડિંગ વૉલ્યુમ ઘટયું છે, વેકેશનના મૂડ સાથે એકાદ-બે નકારાત્મક અહેવાલથી શૅરબજારનો ઇન્ડેક્સ શરૂઆતથી નરમ હતો. એનએસઈ અને નિફ્ટી દિવસ દરમિયાન 10,200ની સપાટી નીચે ઊતર્યો હતો. જોકે, થોડા સમયમાં રિલાયન્સમાં જંગી લેવાલીથી નિફ્ટી પુન: 10,200ની સપાટી વટાવી ટ્રેડિંગ અને 20 પૉઇન્ટ ઘટીને 10,210ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ દિવસભરની વધઘટ પછી ટ્રેડ અંતે 24 પૉઇન્ટ ઘટાડે 32,584 બંધ હતો, એક્સિસ બૅન્કનો નફો 67 ટકા ઘટવાથી બૅન્કિંગ શૅરોમાં ગાબડા પડયા હતા.
શૅરબજાર આજે નફાતારવણી સાથે બૅન્કિંગ અને ફાર્મા ક્ષેત્રના શૅર્સમાં સંગીન ઘટાડાના ઘસારે ઘટીને બંધ રહ્યું હતું. આજે શરૂઆતથી બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રા બૅન્ક સિવાય મોટા ભાગના અગ્રણી શૅરમાં નરમાઈ જણાઈ હતી. રિલાયન્સ ઇન્ડ. રોજેરોજ નવી વિક્રમી ટોચ બની રહી છે. આજે શૅર 5 ટકા (રૂા. 39) વધીને રૂા. 913.75ના ટોચે બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રાનો ભાવ રૂા. 17 સુધારે રૂા. 1096 બંધ હતો. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે જેનેરિક દવાના ભાવમાં મોટો ફેરફાર કરવાના સંકેત કરવાને લીધે સ્થાનિકમાં સિપ્લા, લ્યુપિન સહિત અગ્રણી શૅરના ભાવમાં ઘટાડો થયો હતો. આજના સુધારામાં ઓએનજીસી રૂા. 3ના સુધારે રૂા. 174, એનટીપીસી રૂા. 2.60 વધીને રૂા. 178 અને વીપ્રોમાં સારા પરિણામને લીધે શૅરોનો ભાવ રૂા. પાંચ વધીને રૂા. 294 બંધ રહ્યો હતો. જ્યારે ઘટાડાની આગેવાની લેતા સિલ્પા સૌથી વધુ રૂા. 20.55ના ઘટાડે રૂા. 610, લુપીન રૂા. 17.75 ઘટીને રૂા. 1,048, જ્યારે એક્સીસ બૅન્ક 10 ટકાથી વધુ-રૂા. 48 ઘટીને રૂા. 464 બંધ રહ્યો હતો. જેના લીધે બીએસઈ બૅન્કિંગ ઇન્ડેક્સ 331 પૉઇન્ટ ઘટયો હતો. આઈસીઆઈસીઆઈ રૂા. 11 ઘટીને રૂા. 263 અને એસબીઆઈ રૂા. 7 ઘટીને રૂા. 244 બંધ હતો જોકે, એચડીએફસી બૅન્કમાં થોડો સુધારો થયો હતો. દરમિયાન, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.3 ટકા, અને ફાર્મા 1.2 ટકા સાથે અૉટો ઇન્ડેક્ષ 0.5 ટકા ઘટયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer