ફ્લિપકાર્ટ બિયાનીની ફ્યુચર લાઈફ સ્ટાઈલમાં હિસ્સો ખરીદશે

ફ્લિપકાર્ટ અૉફલાઈન રિટેલમાં પ્રવેશ કરશે
બેંગ્લુરુ, તા.18 : ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટ તેમનો વૈશ્વિક હરિફ એમેઝોનને અનુસરીને દેશની અગ્રણી ઓફલાઈન ફેશન અને લાઈફસ્ટાઈલ રિટેલર્સ ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશન્સમાં હિસ્સો હસ્તગત કરી શકે છે.
ગયા મહિને અમેરિકાની ઓનલાઈન રિટેલર એમેઝોન ઈન્ડિયાએ શોપર્સ સ્ટોપમાં રૂા.179.25 કરોડમાં પાંચ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો, જેથી ઓફલાઈન રિટેલર તેમના પ્રોડકટ્સ એમેઝોનના માધ્યમથી વેચી શકે. 
બંને કંપનીઓના ટોચના અધિકારીઓ ગયા અઠવાડિયે મુંબઈમાં એકબીજાને મળ્યા હતા, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નહોતો. એમેઝોને શોપર્સ સ્ટોપમાં રોકાણ કર્યું હોવાથી ફ્લિપકાર્ટે ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશનમાં રોકાણ કરશે એવું માનવામાં આવી રહ્યું છે. 
ફિલપકાર્ટ તેમના પ્લેટફોર્મમાં ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશનની સેન્ટ્રલ, બ્રાન્ડ ફેક્ટરી અને પ્લેનેટ સ્પોર્ટ્સ સમાવિષ્ટ 20 જેટલી બ્રાન્ડનું વેચાણ કરી શકે છે. 
આ સોદો પાર પડે તો ફિલપકાર્ટની ફેશન કંપની મિત્રા આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં નફાકારક બની શકે છે. વર્તમાન બજાર હિસ્સો એક અબજ ડોલર હોવાથી ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશનમાં 10 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે 10 કરોડ ડોલર ચૂકવવા પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer