ભાભી આકાંક્ષાએ યુવરાજ સિંહ ઉપર મૂક્યો ઘરેલુ હિંસાનો આરોપ

ભાભી આકાંક્ષાએ યુવરાજ સિંહ ઉપર મૂક્યો ઘરેલુ હિંસાનો આરોપ
બિગ બોસના ઘરમાંથી બહાર નીકળી આકાંક્ષાએ નિષ્ફળ લગ્નજીવનનું ઠીકરું યુવીની માતા શબનમ સિંહ ઉપર  ફોડયું
નવી દિલ્હી, તા. 18: ભારતીય ટીમના ક્રિકેટર યુવરાજ સિંહની ભાભી અને બિગ બોસ 10ની મહેમાન આકાંક્ષા શર્માએ ફરી એક વખત યુવરાજ સિંહ અને તેના પરિવાર ઉપર ગંભીર આરોપો મુક્યા છે. આકાંક્ષાએ યુવરાજ, તેના ભાઈ જોરાવર સિંહ અને તેની માતા શબનમ સિંહ ઉપર ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી છે. બિગ બોસમાં ઘરમાં અને ઘરની બહાર આકાંક્ષા યુવરાજ સિંહના પરિવાર ઉપર સતત આક્ષેપો કરતી આવી છે. 
યુવરાજ સિંહને બે ભાઈ છે જેમાંથી નાના ભાઈનું નામ જોરાવર સિંહ છે. જોરાવરે માર્ચ 2014માં ગર્લફ્રેન્ડ આકાંક્ષા શર્મા સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના ચાર મહિનામાં જ આકાંક્ષાએ છૂટાછેટાનો નિર્ણય કરી લીધો હતો. હવે આકાંક્ષાએ યુવરાજ, તેના ભાઈ અને માતા સામે ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવી છે. આકાંક્ષાની વકીલ સ્વાતિ સિંહે કહ્યું હતું કે, આ કેસમાં આગામી 21મી ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. યુવરાજ મામલે સ્વાતિએ કહ્યું હતું કે, ઘરેલુ હિંસા એટલે માત્ર શારીરિક હિંસા નથી. તેનો અર્થ માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપવો એવો પણ થાય છે. આ કેસમાં યુવરાજ પણ બરાબરનો ભાગીદાર બને છે. કારણ કે જ્યારે જોરાવર અને શબનમ સિંહ આકાંક્ષા ઉપર અત્યાચાર ગુઝારતા હતા ત્યારે યુવરાજ મુકપ્રેક્ષક બની રહ્યો હતો. આ જ કારણથી યુવરાજ સામે પણ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.
વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, જ્યારે બાળક માટે આકાંક્ષા ઉપર દબાણ કરવામાં આવતું હતું ત્યારે યુવરાજ સિંહે તેની માતાનો પૂરેપૂરો સાથ આપ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે, આકાંક્ષાએ માતાનું કહ્યું માનવું જોઈએ કેમ કે ઘરમાં તે સૌથી મોટાં છે. 
વધુમાં સ્વાતિ સિંહે યુવરાજની માતા બાબતે કહ્યું હતું કે, શબનમસિંહ ખૂબ જ આક્રમક છે. તે ઘરમાં બધા ઉપર આદેશો થોપે છે અને જોરાવર તેમજ આકાંક્ષાના તમામ નિર્ણયો શબનમ સિંહ ઉપર નિર્ભર રહેતા હતા. 
બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ આકાંક્ષાએ નિષ્ફળ લગ્નજીવનનું ઠીકરું યુવરાજસિંહની માતા ઉપર ફોડયું છે. તેણે આક્ષેપ કર્યો હતો કે, જોરાવર સાથેનું લગ્નજીવન માત્ર કાગળો ઉપર જ હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer