સ્ટેનલેસ સ્ટીલ અને ગાર્મેન્ટની બજારમાં સરેરાશ વેપાર સારો, દિવાળીની ઘરાકી ઓછી

કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 18 : કચ્છીઓના પ્રભુત્વવાળી ગારમેન્ટ અને સ્ટેનલેસ સ્ટીલ બજારમાં દિવાળીની ઘરાકીનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. બ્રાન્ડેડ આઇટમો માટે ઘરાકી છે. ગારમેન્ટ્સ માટે બાઇંગ પેટર્ન બદલાઈ છે. લોકો આખું વરસ ગમે ત્યારે ખરીદી કરે છે. એટલે દિવાળીના દિવસોમાં ઓછી ખરીદારીની અસર રહેતી નથી.
ગારમેન્ટ અને સ્ટીલ બજાર બંનેમાં અમુક વર્ગ જીએસટીની ગૂંચવણમાંથી બહાર આવ્યો નથી. ગારમેન્ટનાં સૂત્રોએ કહ્યું કે, જીએસટીની અસરમાંથી બહાર આવતા હજુ છ મહિના લાગી જશે. સ્ટેનલેસ સ્ટીલ બજારમાં પણ હાલત એવી જ છે.
બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સની બજારમાં સારી ઘરાકી
હર્ષદ ઠક્કર (વેલેન્ટાઇન)એ માર્કેટની સ્થિતિ વિષે કહ્યું કે, બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની બજારમાં ખરીદારી સારી છે. જીએસટીની અસર બ્રાન્ડેડ પર પૉઝિટિવ છે, પણ વર્કિંગ કૅપિટલની માગ વધી ગઈ છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો ધંધો સારો થયો એમ ન કહેવાય. હવે લોકો ખરીદી દર મહિને કરે છે. વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં પણ શોપિંગ કરે છે. એટલે આખા વરસની રીતે જોઈએ તો વેપાર સારો ગણાય. નવી પ્રોડક્ટ ઍરપોર્ટ વેર લાવ્યા. હાલમાં મેન્સ અને બોય્ઝ માટે `ટ્રીકી' ડિઝાઇનર વેર પ્રસ્તુત કરી છે.
લેડીઝ ગાર્મેન્ટમાં વેપાર સારો
ઈસિતા ગાલા (સુમાયા) લેડીઝ કુર્તી બનાવે છે. તેમની ઇકા, ઇરા અને ટેગનાઇન એમ ત્રણ બ્રાન્ડ છે. તેમણે કહ્યું કે, અમે હેન્ડલૂમ, કૉટન, ચંદેરી મટેરિયલ ઉપરાંત ચાઇના અને ટર્કીના આયાતી ફેબ્રિકમાંથી પ્રોડક્ટ બનાવીએ છીએ. અમારી મોનોપોલી ફેબ્રિક છે. માર્કેટની વાત કરીએ તો વ્યાપાર સારો થાય છે. જીએસટી આવવાથી સારું થયું છે. ઈન્ડસ્ટ્રી એક સિસ્ટમમાં આવી જે સિસ્ટમમાં બેસી નહીં શકે તે બજારમાંથી નીકળી જવાનો વારો આવશે. સારા ખેલાડી માર્કેટમાં ટકી રહેશે.
ડિઝાઇનર કુર્તા-પાયજામામાં નેચરલ ફેબ્રિકનો ટ્રેન્ડ
જેન્ટ્સ એથનિક વેર માટે જાણીતા કાંતિભાઈ હરિયાએ કહ્યું કે, અમે વર્ષોથી મેન્સના કુર્તા-પાયજામા બનાવીએ છીએ. હાલમાં આ પ્રોડક્ટ્સમાં લીલન, ખાદી, જ્યુટ જેવા નેચરલ ફેબ્રિકનું ચલણ વધ્યું છે. પહેલાં સિલ્કનો ટ્રેન્ડ હતો. દિવાળીના દિવસોમાં વધારે ઘરાકી પહેલાં નીકળતી. હવે બાઇંગ પેટર્ન બદલાઈ છે. હવે વર્ષ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરે છે. એટલે સરેરાશ વ્યાપાર સારો જ ગણાય.
ચિલ્ડ્રન્સ વેરની બજાર નબળી
ચિલ્ડ્રન્સ વેરનું ઉત્પાદન કરતા રમેશભાઈ ગાલા (લિટલ ગર્લ) અને ચંદ્રકાંત સૈયા (ટીનેજ)એ કહ્યું કે, ચિલ્ડ્રન્સ માર્કેટ ગયા વર્ષ કરતાં 30 ટકા ડાઉન છે. પેમેન્ટ પણ મોડા પડયા છે. દિવાળીએ નવું ફેબ્રિક મળ્યું નથી.
એમણે કહ્યું, જીએસટીનો એક ટૅક્સ લાગુ કર્યો જે આવકાર્ય છે, પણ હજુ હિસાબો પાટે ચડતાં છ મહિના લાગી જશે. બીજું 5 ટકા અને 12 ટકાના બે સ્લેબ રાખ્યા છે. 12 ટકાના કારણે ગારમેન્ટ 10 ટકા મોંઘું થાય છે.
સ્લેબમાં રાહત આપીને 5 ટકા કરવામાં આવે તો ગ્રાહકને માલ સસ્તો પડે. હાલમાં 1000 રૂા.થી ઓછી કિંમત પર 5 ટકા છે અને એક હજાર રૂા.થી વધુ કિંમતે 12 ટકા છે.
સ્ટેનલેસ સ્ટીલ બજારમાં
મંદીનું વાતાવરણ
સ્ટેનલેસ સ્ટીલ બજારમાં પ્રેમજીભાઈ દેઢિયા (નીલમ)એ કહ્યું કે, ગયા વર્ષની સરખામણીએ ઘરાકી નબળી કહેવાય. બીજું જીએસટીના કામકાજમાંથી ઘણા વેપારી નવરા પડયા નથી. જીએસટીથી ફરક નથી પડયો. અમે ડીનરસેટ, કિચનસેટ નવીન ડિઝાઇનમાં લાવ્યા છીએ.
કાચા માલની અછતે વેપાર ઓછો
ગીજુભાઈ (કાંતિભાઈ-કલાસિક)એ સ્ટેનલેસ સ્ટીલ બજારમાં ખાસ ઘરાકી દેખાતી નથી. કાચા માલની ખેંચની અસર બજાર પર પડી છે. ઘણા વેપારીના જીએસટીના હિસાબો હજુ સીએ પાસે પડયા છે. દિવાળીનો આનંદ બજારમાં દેખાતો નથી.
સ્ટીલ બજારમાં ફેસ્ટિવલ
ઘરાકી નબળી
સ્ટીલ બજારમાં ઉત્પાદન અને વેચાણ બંને કરતા ભરત ગોગરી (છસરા)એ કહ્યું, બજારમાં ઘરાકી છે. કિચન અને ઘરવખરીની ચીજોની બારેમાસ જરૂર પડે એટલે લોકો ફેસ્ટિવલ શોપિંગ કરે એવું નથી રહ્યું. જીએસટીના કારણે શરૂઆતમાં 10 ટકા માર્કેટ ઘટી હતી પછી વધવા લાગી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer