જીવન સાત સૂરોની સરગમ

દિવાળીનું અનોખું ગ્રીટિંગ કાર્ડ
મુંબઈ, તા. 18 : સામાન્ય રીતે નવા વર્ષની શુભેચ્છા પાઠવવી હોય તો `નૂતન વર્ષાભિનંદન' કે પછી `સાલ મુબારક' કહીએ છીએ. શુભેચ્છા માટે જે ગ્રીટીંગ કાર્ડ મોકલાતા તેમાં પણ વર્ષ સારું જાય અને આરોગ્ય નિરામય રહે તેવી શુભકામનાઓ હતી. 
આજે તો ગ્રીટીંગ કાર્ડનું સ્થાન સોશિયલ મીડિયાએ લઈ લીધું છે. ત્યારે ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એન્ડ વર્કર્સ વેલફેર સોસાયટીએ તૈયાર કરેલું ગ્રીટીંગ કાર્ડ જીવનને સંગીતસભર કરી દે તેવું છે. 
આ કાર્ડમાં જીવનને સાત સૂરની સરગમ કહ્યું છે અને `સા રે ગ મ પ ધ નિ સા'ની સરસ સમજ આપી છે. મનની શાંતિ અને સ્થિરતા આપવાનું સામર્થ્ય સંગીતના સાત સૂરમાં છે એમ કહીને પ્રથમ ચાર અક્ષરમાં સર્જન અને પછીના અક્ષરમાંનું માર્ગદર્શનનું સુંદર વર્ણન કરાયું છે. 
સરગમમાંનો `સા' કહે છે - સૃષ્ટિના નિર્માણની શરૂઆત સાગરી જીવોની ઉક્રાંતિથી થઈ, `રે' કહે છે - રેતીમાં ચાલતી જીવ સૃષ્ટિનો ઉદય થયો, `ગ' કહે છે - ગગનવિહારી પક્ષીઓનું નિર્માણ થયું, `મ' કહે છે - મનુષ્યો આ પૃથ્વી ઉપર અવતર્યા. મનુષ્યના જન્મ પછી ભવસાગર તરવા માર્ગદર્શનની જરૂર પડે એટલે `પ' કહે છે - પરાક્રમી જીવન જીવવું મનુષ્યનું કર્તવ્ય છે પણ સાથે મર્યાદા રાખવી પણ જરૂરી છે. `ધ' કહે છે - ધર્મનું આચરણ થયું અને ધર્મ થકી `ની' કહે છે - નિર્મળ કર્મ થાય તો `સા' - સાક્ષાત્કાર થવાનો જ છે. 
સાગરી જીવોના સર્જનથી લઈને સાક્ષાત્કાર સુધીનું સંપૂર્ણ ચક્ર સાત સૂરોની સરગમ સાથે સંકળાયેલું છે. દેવતા અને તમામ જીવ માત્રને આનંદ આપવાની ક્ષમતા સંગીતમાં છે. આ સાત સૂરના સથવારે મનુષ્ય તેના અસ્તિત્વનો આનંદ માણી શકે તો તેના આયુષ્યમાં આનંદનું જ અસ્તિત્વ બાકી રહે છે. 
શુભેચ્છા પાઠવનાર સભ્યોમાં પૂર્વ પ્રમુખ નેમજી શામજી ગાલા, પ્રમુખ રશ્મિકાંત હીરજી ભેદા, ઉપ-પ્રમુખ બંસીલાલ મોરારજી છેડા, માનદ મંત્રીઓ જાદવજી પુજાભાઈ ગલિયા, ભરત મેઘજી ગાલા, જયેશ પ્રેમજી ગડા, ખચાનચી ભાવેશ કેશવજી સાવલા અને કારોબારી સમિતિના સભ્યોનો સમાવેશ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer