અમેરિકાને મમતા બેનરજીની હત્યા માટે આપી 65 લાખની સોપારી

કોલકાતા, તા.18 : અત્યારે દાર્જીલિંગ વિવાદથી ચર્ચામાં રહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની હત્યા માટે અમેરિકીએ 65 લાખની `સોપારી'નો પ્રસ્તાવ આપતાં ચકચાર મચી છે. બેનર્જીની હત્યા માટે 19 વર્ષના એક છાત્રને વોટ્સએપ પર એક સંદેશ મળ્યો હતો, જેમાં તેને જો તે સીએમ મમતા બેનર્જીની હત્યા કરે તો તેને એક લાખ ડોલર (આશરે 65 લાખ રૂપિયા) આપવાની વાત કરવામાં આવી હતી. જે નંબર પરથી યુવકને સંદેશ કરવામાં આવ્યો હતો તે અમેરિકાના ફ્લોરિડા શહેરનો છે. પોલીસમાં જાણકારી આપ્યા બાદ મામલો પશ્ચિમ બંગાળ સીઆઈડીને સોંપવામાં આવ્યો છે.
મુર્શિદાબાદના બેહરામપુર નિવાસી છાત્રએ જણાવ્યું હતું કે, તેને સોમવારે બપોરે એક વાગ્યાથી આવા સંદેશ આવવાનું શરૂ થયું હતું. સંદેશ મોકલનારાએ પોતાનું નામ લૈટિન જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે એક આતંકવાદી સંગઠન સાથે કામ કરે છે અને ભારતમાં કોઈ `પાર્ટનર' શોધી રહ્યો છે. લૈટિને કહ્યું હતું કે, જો તે (છાત્ર) બેનર્જીની હત્યા કરે તો તેને એક લાખ ડોલર આપવામાં આવશે.
આ પછી લૈટિને ફરી 2.46 કલાકે મેસેજ મૂક્યો હતો અને તેને ઉશ્કેરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ 3.30ના મેસેજમાં લૈટિને કહ્યું કે, તે ભારત આવી રહ્યો છે. જ્યારે આ છાત્રે એવો જવાબ આપ્યો કે તે પોતાના દેશને પ્રેમ કરે છે અને તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે ત્યારે લૈટિને તેને કહ્યું હતું કે, અમે દેશને નુકસાન પહોંચાડવા માગતા નથી, માત્ર એક વ્યક્તિ (બેનર્જી)ની હત્યા કરવા માગીએ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer